આણંદ: કોંગ્રેસના સંગઠન મજબૂતી માટે નવો અભિયાન આરંભ
આણંદ જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે એઆઇસીસી સહિત પ્રદેશના કુલ પ નિરીક્ષકોની ટીમ તાજેતરમાં સેન્સ પ્રકિયા માટે આવી હતી. જેમાં તાલુકાવાઇઝ કાર્યકરો, નેતાઓ સાથે બેઠક યોજીને તેમની રજૂઆતો ધ્યાને લીધી હતી.
ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનવા ઇચ્છુક વાંચ્છુકોની રજૂઆતો પણ ધ્યાને લીધી હતી. ત્રણ દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરીને નિરીક્ષકોની ટીમ જિલ્લામાંથી રવાના થઇ ગઇ છે અને આગામી મે માસના પ્રથમ અઠવાડિયામાં પુન: જિલ્લાની મુલાકાતે આવનાર હોવાનું આયોજન કરાયું છે.
આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનવા વાંચ્છુકો પૈકીના કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા આક્ષેપ કરાયો છે કે, જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુકના સંપૂર્ણ બાયોડેટા સહિતની કોઇ વિગતો નિરીક્ષકોએ લીધી નથી અને પ્રમુખપદના દાવેદારો પાસે ફોર્મ પણ ભરાવવામાં આવ્યા નથી. જયારે અન્ય જિલ્લામાં હિન્દી ભાષામાં બે પેજના ફોર્મ જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુકોને ભરવા માટે અપાયા હતા. જેથી આણંદ જિલ્લામાં પ્રમુખપદના ચારેક દાવેદારોના ફકત નામ લઇને નિરીક્ષકો શું અહેવાલ તૈયાર કરશે, આ ઉમેદવારોનો રાજકીય બાયોડેટા સહિતની કોઇ વિગતો ન હોવાથી પ્રદેશકક્ષાએથી કયાંક કાચું કપાશે કે અગાઉથી થયેલ આયોજન મુજબનાને પ્રમુખપદનો ભાર સોંપાશેની અટકળો તેજ બની છે.
આપણે સીસ્ટમ નથી : કા.કોંગ્રેસ પ્રમુખ
આણંદ જિલ્લા કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુકોના ફોર્મ ભરવાની સીસ્ટમ રાખી નથી. ઇચ્છુકોના નામો નિરીક્ષકો લઇ ગયા છે અને આગામી માસમાં નિરીક્ષકોની પુન: જિલ્લા મુલાકાત દરમ્યાન આખરી રિવ્યૂ પ્રીકયા હાથ ધરાશે. વધુમાં કહયું હતું કે, જિલ્લા કોંગ્રેસમાં કોઇપણ હોદ્દા માટે કામ કરવા ઇચ્છુકનું નામ નોંધાવવા નિરીક્ષકોની મુલાકાત દરમ્યાન જાહેર કરવામાં આવ્યુ ંહતું.
ખેડા જિલ્લામાં પ્રમુખ માટે ફોર્મ ભરાયા : પૂર્વ કાઉન્સિલર
આણંદ પાલિકાના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર સલીમશા દિવાને જણાવ્યું હતું કે, કોંગ્રેસના નિરીક્ષકોની ટીમ ખેડા જિલ્લાની મુલાકાતે પણ ગઇ હતી. જયાં જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુકો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. પરંતુ આણંદ જિલ્લામાં આ સીસ્ટમને ફોલો કરવામાં આવી નથી. જેથી રાજકીય સહિતનો અનુભવ ધરાવનાર ઇચ્છીત ઉમેદવાર કદાચ વંચિત રહી જશેની સ્થિતિ પણ સંભવી શકે.