મહી કેનાલમાંથી પાણી ન મળતાં પાક બળવાનું સંકટ, ખેડૂતોમાં રોષ
આણંદ : આણંદ જિલ્લામાં ૧૫ એપ્રિલથી મહી કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવતા ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ઉનાળુ વાવેતરના પ્રારંભે મહી કેનાલોમાં પ્રતિદિન ૩૭૫૦ ક્યૂસેક પાણી છોડવામાં આવતું હતું. જેના આધારે ખેડૂતોએ ખેતીના પાકોનું વાવેતર કરી દીધું હતું. પરંતુ હવે ખરાં સમયે જ સિંચાઈ વિભાગે હાથ ઉંચા કરી લીધા છે.
આણંદ જિલ્લામાં અંદાજિત ૮૪ ૨૦૦ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામા આવ્યુ છે. જેમાં ડાંગર ૨૯ ૬૨૨ હેક્ટર, મગ ૬૯૦ હેક્ટર, શાકભાજી ૧૧૦૯૪, ઘાસચારો ૧૩૦૪૫, બાજરી ૩૭ ૮૭૦ હેક્ટરનો સમાવેશ થાય છે. ત્યારે પાછોતરૂ વાવેતર કરતા અને પિયત માટે અન્ય જળસ્રોતોનો અભાવ ધરાવતા વિસ્તારના ખેડૂતોને કેનાલોના પાણીના અભાવે વાવણી કાર્ય તેમજ આગામી દિવસોમાં પિયતના અભાવે પાકમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આણંદ જિલ્લામાં મહી કેનાલોમાં સિંચાઈનું પાણી ન આવે તો, જિલ્લાભરના ખેડૂતોએ ખેતી માટે બોર-કૂવા પર આધાર રાખવો પડે તેમ છે. તેમજ બોર-કૂવાના પાણીનો ખર્ચ પણ વધી જાય તેમ છે. ત્યારે સિંચાઈ માટે સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોએ વાવેલો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.