આણંદમાં મીટર કનેક્શનના વિવાદે મારામારી: બે ભાઈઓને ૩ વર્ષની સજા
આણંદ શહેરના સો ફુટના રોડ ઉપર આવેલા ગોકુલધામ ફ્લેટ, વ્રજવાસ સોસાયટી, અગ્રવાલ સોસાયટીની બાજુમાં આવેલા ફ્લેટના પાકીંગમાં ત્રણેક વર્ષ પહેલા મીટરમાં કનેકશન નાંખવાની બાબતે બે ભાઈઓએ એકને મોઢા તેમજ નાક ઉપર મુક્કા મારીને ફેક્ચરી કરી નાંખવાના ગુનામાં આણંદની અદાલતે બન્નેને તકશીરવાર ઠેરવીને કુલ ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૨૦-૦૯-૨૦૨૨ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના સુમારે ગોકુલધામ ફ્લેટના પાકીંગમાં ફરિયાદી જીતકુમાર સંતભાઈ શાહને કેતન છોટુભાઈ હસનાની અને તેના ભાઈ હિરેનભાઈએ કહેલ કે, અમારા મીટરમાં કેમ કનેક્શન નાંખ્યું છે. જેથી જીતકુમારે મને ખબર નથી તેમ કહેતા જ કેતનભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને મોઢા તેમજ નાક ઉપર મુક્કા મારીને નાક પર ફેક્ચર કરી નાંખ્યું હતુ.
હિરેને ઉશ્કેરાઈ જઈને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને બન્ને ભાઈઓની ધરપકડ કરીને તપાસ પુર્ણ કરી આણંદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ. આ કેસ આણંદની ચીફ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકિલ પી. એમ. જોષી અને એસ. જે. ઝાલાની દલિલો કરતા જણાવ્યું હતુ કે, હાલનો કેસ ખુબ જ ગંભીર પ્રકારનો હોય, ફરિયાદ પક્ષ સાબિત કરવામા ંસફળ રહેલ છે. આરોપીઓએ ગડદાપાટુનો તેમજ મુક્કા વડે ફરિયાદીને માર મારીને મહાવ્યથા પહોંચાડી છે. જે સાબિત થયેલ છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા અપીલ કરી હતી. જજ કુ. એ. એચ. મુન્દ્રાએ સરકારી વકિલની દલિલોને તેમજ રજુ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને બન્નેને તકશીરવાર ઠેરવીને કુલ ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા અને ૬-૬ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.