ગુજરાતમાં સુરક્ષા પર સવાલ: બસમાં દુષ્કર્મના આક્ષેપે ચકચાર
મહિલા અને બાળકીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રાજકોટમાં સુરતની તરૂણી સાથે બસમાં દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી છે. પોલીસે હાલ આ મામલે તરૂણીનું નિવેદન નોંધી અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતની તરૂણી રાજકોટમાં હોસ્ટેલમાં ભણતી હતી અને પોતાના ઘરે સુરત જઈ રહી હતી. સ્લીપર કોચવાળી બસમાં તરૂણી સુરત જઈ રહી હતી. ત્યારે મૂળ ગીર-સોમનાથના આરોપી વિજય બારડે તરૂણીનો પીછો કર્યો અને તેની પાછળ-પાછળ બસમાં ચઢી ગયો. બાદમાં આરોપીએ બસમાં જ તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વિજય બારડ તરૂણીની હોસ્ટેલમાં જ કામ કરતો હતો અને બંને એકબીજાના સંપર્કમાં પણ હતાં.
તરૂણી જ્યારે સુરત પહોંચી તો તેણે પોલીસ સ્ટેશને જઈ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તરૂણીનું નિવેદન નોંધ્યું છે અને શારીરિક રિપોર્ટ માટે હોસ્પિટલ મોકલી આ મામલે વધુ તપાસ હાથ છે. નોંધનીય છે કે, આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.