કામરેજમાં માતા-પિતા અને પુત્રે એકસાથે જીવન ટૂંકાવ્યું, તાપી નદીમાં લગાવી મોતની છલાંગ
સુરતના કામરેજ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે. સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્ર સામેલ છે. આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદી પર બનેલા બ્રિજ પર કૂદકો મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે.
તો બીજી તરફ સ્થાનિક પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હતા. મૃતક વિપુલભાઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા અને આર્થિક સંકડામળના પરિવારે આત્મહત્યા કરી છે.