ગુજરાતના સુરત શહેરમાં શ્રી હનુમાન જયંતીને લઈને તડામારી તૈયારીઓ ચાલી રહી છે. જેમાં સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે હનુમાનજી માટે 6 હજાર કિલોગ્રામનો મહાકાય બુંદીનો લાડુ બનાવામાં આવી રહ્યો છે. હનુમાનજીને લાડુ ભોગ ચડાવ્યા બાદ શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરાશે.
દેશભરમાં આગામી 12 એપ્રિલ, 2025ના રોજ હનુમાન જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવશે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં હનુમાન જયંતી ભવ્ય રીતે મનાવામાં આવશે. આ દરમિયાન રાજ્યના સુરતમાં હનુમાન જયંતીને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં સુરતના અટલ આશ્રમ ખાતે હનુમાન મંદિરમાં તડામાર તૈયારી શરૂ છે, ત્યારે 9એપ્રિલથી 6 હજાર કિલોગ્રામનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે હનુમાન જયંતીના દિવસે લાડુના પ્રસાદનો હનુમાન દાદાને ભોગ ચડાવામાં આવશે અને પછી શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરાશે.
આશ્રમના મહંતના જણાવ્યાનુસાર, ‘ગત વર્ષે આશ્રમના 50 વર્ષ પૂર્ણ થયા હતા, ત્યારે ભગવાનને 5555 કિલોગ્રામનો લાડુ તૈયાર કરાયો હતો. 6 હજાર કિલોગ્રામ તૈયાર કરવામાં આવેલા બુંદીના લાડુમાં 2-2 હજાર કિલોગ્રામ બેસન અને શક્કર સહિત 80-90 ઘી-તેલના ડબ્બા, 100 કિલોગ્રામ સુકો મેવો, 2 હજાર કિલોગ્રામ બુંદી-ગાઠીયા નાખવામાં આવ્યો છે. આ પ્રસંગે 30 હાજર જેટલાં ભાવિકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.’