હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે ગઈકાલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં. માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન કરાવી શકશે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું કે, આધારના વેરિફિકેશનને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરવામાં આવી છે. જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિઝિટલી વેરિફિકેશન કરી શકશે. જેથી કેવાયસી જેવી પ્રક્રિયાઓ પણ સરળ બનશે. વૈષ્ણવે સોશિયલ મીડિયા X પર પણ આ અંગે માહિતી પોસ્ટ કરી હતી કે, નવી આધાર એપ, મોબાઈલ એપ મારફત ફેસ આઈડી વેરિફિકેશન. કોઈ ફિઝિકલ કાર્ડ કે ફોટોકોપી નહીં. માત્ર એક ટેપના માધ્યમથી જરૂરી ડેટા શેર કરી શકાશે. સંપૂર્ણ વ્યક્તિગત માહિતી નિયંત્રણ હેઠળ રહેશે. એપની સૌથી ખાસ વિશેષતા ફેસ આઈડી વેરિફિકેશન છે. જે સુરક્ષામાં વધારો કરતાં સાયબર ક્રાઈમમાં ઘટાડો કરશે.
આધાર વેરિફિકેશન માટે હવે વધુ પડતાં ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. આ નવી એપની મદદથી માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન થશે. યુપીઆઈ પેમેન્ટની જેમ જ યુઝર્સની પ્રાઈવસીની ખાતરી કરતાં આધાર વિગતોનું ડિજિટલી વેરિફિકેશન થશે. આ એપ હાલ ટેસ્ટિંગમાં છે. જેથી ગુગલ પ્લે સ્ટોર પર હાલ ઉપલબ્ધ નથી. ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
- આધારની નવી એપના ફાયદા
- આધારની નવી એપથી ફેસ આઈડી અને ક્યુઆર સ્કેનિંગની મદદથી ડિજિટલ વેરિફિકેશન ઝડપી બનશે
- નવી એપથી યુઝર્સની પરવાનગી વિના વધારાનો ડેટા શેર થશે નહીં. પ્રાઈવસીમાં સુધારો
- વેરિફિકેશન માટે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે, આધાર કાર્ડ ગુમ થઈ જવાનો ભય દૂર થશે
- આધાર કાર્ડની વધુ પડતી વિગતોથી થતા સાયબર ક્રાઈમ અને છેતરપિંડીની શક્યતાઓ ઘટશે.