એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા, રાહુલ-સોનિયા ગાંધીના ચાર્ટરને ઉતારવામાં થયો વિલંબ
અમદાવાદમાં ફરી એકવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા ઉડી છે. જેના પગલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટર પ્લેન પહેલા ઉતરવાની મંજૂરી ન અપાઇ હતી પરંતુ તપાસ બાદ મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે ચાર્ટર પ્લેનને ઉતરવામાં વિલંબ થયો હતો. આજે અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક છે.
અફવાના પગલે ફલાઈટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સાથો સાથ એર પોર્ટ પર સિક્યુરિટી પણ ટાઈટ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અવાર નવાર આવી ધમકીઓ મળતી હોય છે, થોડા દિવસ અગાઉ પણ એરપોર્ટ પર મોમ્બ હોવાની ધમકી મળી હતી, જે દરમિયાન પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતુ અને તપાસ હાથ ધર વામાં આવી હતી પરંતુ શકાસ્પદ કઈ જ વસ્તુ મળી ન હતી.
આજે અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી કોંગ્રેસના અગ્રણી નેતાઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે. તો બીજી તરફ ફ્લાઇટમાં બોમ્બની ધમકીને લઈ પણ ચર્ચાનો વિષય બન્યો છે. ફેબ્રુઆરીમાં પણ અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે ફ્લાઈટ સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. બપોરના 12 વાગ્યા સુધી કોઈ પણ મુસાફર બહાર નીકળ્યા ન હતા. ધમકીભર્યા પત્રમાં ફ્લાઇટમાં બોમ્બ છે તેવું લખાણ મળી આવ્યું હતું.