નડિયાદ: ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં લિસ્ટેડ બે બુટલેગરો અને છેતરપિંડીના આરોપીના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. એક શખ્સ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજ્ય પોલીસ મહાનિર્દેશકની સૂચના બાદ ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ સ્ટેશનો દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે ચકલાસી પોલીસના પીઆઇ સહિતનો પોલીસ કાફલો, એમજીવીસીએલના સ્ટાફને સાથે રાખી ચકલાસી હદ વિસ્તારમાં આવેલા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવા નીકળી હતી. અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ ઈસમોને ઘરે તપાસ કરવામાં આવી હતી.
ત્યારે ચંદુ હરમનભાઈ વાઘેલા, જયદીપ કનુભાઈ વાઘેલા અને લાલજીભાઈ છોટાભાઈ તળપદાના ઘરે ગેરકાયદે વીજ જોડાણો ઝડપાયા હતા.
ગેરકાયદે મળેલા જોડાણો પીજીવીસીએલની ટીમ દ્વારા કાપી નંખાયા હતા. ચંદુ અને જયદીપ બંને લિસ્ટેડ બુટલેગર છે. જ્યારે લાલજી છેતરપિંડીના કેસોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પોલીસે કાર્યવાહી દરમિયાન ચકલાસીના પંડિતનગરમાં જયેન્દ્રભાઈ કનુભાઈ વાઘેલા પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.