આણંદ એસ.ઓ.જી.એ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો, બે આરોપીઓ ઝડપાયા
આણંદ જિલ્લામાં બનાવટી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસ.ઓ.જી. ટીમે રેઇડ કરીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જેઓ નકલી મેડિકલ સર્ટિફિકેટ દ્વારા લાયસન્સ રિન્યુ કરવાનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા. આણંદ આર.ટી.ઓ. કચેરી બહાર આવેલી કારમાંથી પોલીસે રિઝવાનભાઈ મુસ્તફાભાઈ વ્હોરા અને રાહીલભાઈ રિઝવાનભાઈ વ્હોરાને ઝડપી પાડ્યા હતાં.
તેઓ જાતે જ મેડિકલ ઓફિસરના સહી-સિક્કા બનાવી, ડ્રાઈવિંગ લાયસન્સ માટે નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટો તૈયાર કરતા હતા. પોલીસે આ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા એક લેપટોપ, પ્રિન્ટર, ઇન્વર્ટર, વિવિધ મેડિકલ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, સ્ટેમ્પ પેડ, નકલી રબર સ્ટેમ્પો અને ઓમ્ની ગાડી સહિત કુલ રૂ. 85,000 મૂલ્યનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આણંદ એસ.ઓ.જી. દ્વારા આ આરોપીઓ કેટલો સમયથી આ કૌભાંડ ચલાવતા હતા અને તેમાં અન્ય આર.ટી.ઓ. એજન્ટ કે અધિકારીઓ સામેલ છે કે નહીં તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન એ.જે. અસારી (પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી., આણંદ) અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું.