દિલ્હીમાં 26 વર્ષ બાદ ભાજપનું પહેલું બજેટ: ₹80 હજાર કરોડના ખર્ચનો અંદાજ
દિલ્હીની ભાજપ સરકાર 25 માર્ચ, 2025-26 માટે પોતાનું પહેલું બજેટ રજૂ કરશે, જે અંદાજે ₹80 હજાર કરોડનું હોઈ શકે છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં બજેટ રજૂ કરશે, જ્યારે 26 માર્ચે બજેટ પર ચર્ચા થશે. ધારાસભ્યો સરકારની નીતિઓ અને યોજનાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે.
27 માર્ચે બજેટ પર મતદાન:
બજેટ પર વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા બાદ 27 માર્ચે મતદાન યોજાશે. બજેટમાં યમુના નદીની સફાઈ, શિક્ષણ, આરોગ્ય, પ્રદૂષણ નિયંત્રણ, પાણીની સુવિધાઓ, રસ્તાઓના વિકાસ અને ખેડૂતો માટેની યોજનાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
“મહિલા સમૃદ્ધિ યોજના” અને નવી યોજનાઓ:
8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિને, ભાજપ સરકારે “મહિલા સમૃદ્ધિ યોજના” શરૂ કરી હતી, જેમાં ગરીબ પરિવારોની મહિલાઓને દર મહિને ₹2500ની સહાય મળશે. અંદાજે 20 લાખ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે.
જનતા તરફથી 10 હજારથી વધુ સૂચનો:
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ‘વિકસિત દિલ્હી’ માટેનું બજેટ પ્રજાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ઈમેલ અને વોટ્સએપ દ્વારા 10 હજારથી વધુ સૂચનો મળ્યા છે, જેના આધારે બજેટ તૈયાર થયું છે.
દિલ્હી માટે આ બજેટમાં નવી યોજનાઓ અને વિકાસ કાર્યોને લઈને કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે તે જોવાનું રહેશે.
