આણંદ તાલુકાના બોરીયાવી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલી કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
દોઢ વર્ષના બાળકની માતા
રિદ્ધિ સુથાર દોઢ વર્ષના બાળકની માતા હતી. આ દુખદ ઘટનાએ તેના પરિવારજનો અને ફોલોઅર્સને આઘાતમાં મૂકી દીધા છે.
મૃતદેહ કેનાલમાંથી મળ્યો
રિદ્ધિ સુથારનો મૃતદેહ ખેડા જિલ્લાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને આપઘાત પાછળના કારણો શોધવા પ્રયાસ ચાલી રહ્યા છે.
રિદ્ધિ સુથારનું જીવન અને સંબંધ
રિદ્ધિ સુથાર છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર એક સક્રિય ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી. ચાર વર્ષ પહેલા, તેણે બોરીયાવી ગામના રૂષિન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રૂષિન પટેલ તાજેતરમાં યોજાયેલી બોરીયાવી નગરપાલિકા ચૂંટણીમાં વિજયી થઈને કારોબારી ચેરમેન બન્યા હતા.
સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા
રિદ્ધિ સુથારના ઈન્સ્ટાગ્રામ પર 374 પોસ્ટ્સ હતી અને તે 679 લોકોને ફોલો કરતી હતી. 20.6K ફોલોઅર્સ ધરાવતી રિદ્ધિ સુથાર સોશિયલ મીડિયા પર એક સક્રિય વીડિયો ક્રિએટર હતી અને @makeoverby_rid હેન્ડલથી લોકપ્રિય હતી. તે પ્રેરણાદાયક કન્ટેન્ટ શેર કરતી હતી.
કેનાલ પાસે કાર મળી
રિદ્ધિ સુથારએ લાંભવેલ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. તેની અમદાવાદ પાસિંગની હોન્ડા કાર (જીજે 01 એચઝેડ 0260) કેનાલની સાઇડમાં પાર્ક કરેલી મળી હતી. પોલીસને શંકા છે કે કાર પાર્ક કર્યા બાદ જ તેણે ઝંપલાવ્યું હતું.
પોલીસ તપાસ ચાલુ
આ આપઘાત પાછળના કારણો હજી સુધી સ્પષ્ટ નથી. પોલીસ દ્વારા રિદ્ધિ સુથારના જીવન અને તેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો વિષય બની છે.
વડતાલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો
વડતાલ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકના પિતા હિરેન નંદલાલ સુથારની ફરિયાદના આધારે પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. કણજરી બીટના જમાદારના જણાવ્યા મુજબ, યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આકસ્મિક રીતે અથવા ઈરાદાપૂર્વક ઝંપલાવ્યું હોઈ શકે છે. મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને તેને દોઢ વર્ષનું સંતાન છે.