રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે, આણંદની ચાંગા ખાતે આવેલ ચારૂસેટ યુનિવર્સિટીના સહયોગથી ૩૦મો આદિજાતી મહોત્સવ-૨૦૨૫”ઉજવાયો.
સાંસ્કૃતિક રંગોથી ઝળહળતો મહોત્સવ
આ વિશિષ્ટ મહોત્સવનો હેતુ દેશના વિવિધ પ્રદેશોની આદિજાતિ સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવાનો છે. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું કે, આદિજાતી મહોત્સવ આણંદવાસીઓને વિવિધ રાજ્યના લોકનૃત્યો અને સંસ્કૃતિઓને જીવંત અનુભવવાનો અનેરો લાહવો અપાવી રહ્યો છે. તેમણે આ બે દિવસીય સમારંભને દેશભરમાં વસતા આદિજાતિ સમુદાયની અનોખી સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોચાડવાનો સરાહનીય પ્રયાસ ગણાવ્યો.
વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ
આ અવસર પર ચારૂસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અતુલભાઈ પટેલ, સ્ટુડન્ટસ કાઉન્સિલના ચેરપર્સન ભાસ્કરભાઈ પંડ્યા, તેમજ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
રંગારંગ લોકનૃત્યો અને પરંપરાગત સંસ્કૃતિઓનો સમાગમ
મહોત્સવમાં ગુજરાત અને દેશભરના વિવિધ પ્રદેશોના આદિજાતિ કલાકારોએ લોકનૃત્યોની પ્રસ્તુતિઓ આપી, જેમાં:
ગુજરાત:
આણંદની અગ્નિ ભવાઈ
નર્મદાનું વાસાવા હોળી નૃત્ય
છોટાઉદેપુરનું ઘેરૈયા નૃત્ય
તાપીનું ગામિત ઢોલ નૃત્ય
વડોદરાનું મેવાસી હોળી નૃત્ય
ભરૂચનું સીદી ધમાલ
અન્ય રાજ્યો:
ઓડિસાનું સંભલપુરી નૃત્ય
છત્તીસગઢનું ગૌર મારિયા નૃત્ય
રાજસ્થાનનું આદિવાસી ગૈર નૃત્ય
મધ્ય પ્રદેશનું સૈલા નૃત્ય
છત્તીસગઢ અને ગુજરાતના અન્ય આદિજાતિ નૃત્યો
આ મહોત્સવના દ્વિદિવસીય આયોજને સમગ્ર આણંદ જિલ્લાના નાગરિકોને ભારતીય આદિજાતિ લોકજીવનની વિવિધતાને નજીકથી અનુભવાની તક આપી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાગરિકો અને યુવાનો માટે આ મહોત્સવ એક યાદગાર અનુભૂતિ બની.