ગુજરાતમાંથી પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં સ્થાયી થવાનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાંથી પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં સ્થાયી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ગતવર્ષે 181 સહિત છેલ્લાં 10 વર્ષમાં કુલ 22993 ગુજરાતીઓ દ્વારા ભારતીય પાસપોર્ટ સરન્ડર કરવામાં આવ્યો છે. અલબત્ત, 2023ની સરખામણીએ 2024માં પાસપોર્ટ સરન્ડર કરનારામાં અંદાજે 3 ગણા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
2024 વર્ષમાં દર મહિને 15 પાસપોર્ટ સરન્ડર થયા
વર્ષ 2014થી વર્ષ 2022 દરમિયાન દેશના જે રાજ્યમાંથી સૌથી વઘુ પાસપોર્ટ સરન્ડર થયા હોય તેમાં દિલ્હી 60414 સાથે મોખરે, પંજાબ 28117 સાથે બીજા, 22993 સાથે ગુજરાત ત્રીજા, ગોવા 18610 સાથે ચોથા જ્યારે મહારાષ્ટ્ર 17171 સાથે પાંચમાં સ્થાને છે.
સમગ્ર દેશમાંથી આ સમયગાળામાં કુલ 12.88 લાખ દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષમાં અમદાવાદ રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી જ 36 લાખ જેટલા પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આમ, વિદેશમાં અભ્યાસ, ફરવા જવા અને ત્યાં સ્થાયી થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
પાસપોર્ટ એક્ટ 1967 પ્રમાણે વિદેશનું નાગરિકત્વ મેળવવા માગતા લોકો માટે પાસપોર્ટ સરન્ડર કરવો ફરજીયાત છે. વિદેશમાં નાગરિકત્વ મેળવ્યા બાદ વહેલો પાસપોર્ટ સરન્ડર કરે તેના માટે કોઈ પેનલ્ટી નથી. પરંતુ ત્રણ વર્ષ કે તેથી વઘુ વિલંબ થાય તો રૂપિયા 10 હજારથી 50 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. અમદાવાદમાં આરપીઓથી છેલ્લાં 1 વર્ષમાં 181 પાસપોર્ટ સરન્ડર થયા છે.
આરપીઓ અભિજીત શુક્લાએ જણાવ્યું કે, ‘કોવિડ બાદ 2023માં પાસપોર્ટ સરન્ડર થવાના પ્રમાણમાં વધારો થયો હતો. હવે 2023ની સરખામણીએ 2024માં પાસપોર્ટ સરન્ડર થવાનું પ્રમાણ ઘટ્યું છે. 2024ના વર્ષમાં અમદાવાદ આરપીઓથી 8.12 લાખ જેટલા પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.