ગુજરાતમાં મહિલાઓના ઘરેલું અત્યાચારના ચોંકાવનારાં આંકડા
ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષા એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં 46008 મહિલાઓ પર ઘરેલુ અત્યાચાર થયા છે, જેમાંથી માત્ર અમદાવાદમાં જ 9246 કિસ્સાઓ નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે ઘરની અંદર પણ મહિલાઓ સુરક્ષિત નથી.
પરિવારના સભ્ય દ્વારા શોષણના કિસ્સાઓ દર વર્ષે આશરે 1000 કેસો નોંધાય છે, જેમાં પરિવારના પુરુષ સભ્ય દ્વારા જ પરિવારની મહિલા અથવા સગીરાનું શારીરિક શોષણ કરવામાં આવે છે. હકીકતમાં, ઘણા કિસ્સાઓ પરિવારની આબરૂ બચાવવા માટે પોલીસમાં નોંધાતા જ નથી. પોકસો કોર્ટમાં ચાલતા ઘણા કેસોમાં, ટ્રાયલ પૂર્ણ થતા એવું બહાર આવ્યું છે કે આરોપી ઘરના જ સભ્ય હતા.
નિર્દોષ યુવકોને ખોટા આક્ષેપનો ભોગ બનવું પડે છે હાઇકોર્ટમાં એક યુવકે દુષ્કર્મના ખોટા આરોપમાં 2 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ, ડીએનએ પરીક્ષણમાં સાબિત થયું કે દોષિત વ્યક્તિ કોઈ ઘરના જ સભ્ય હતા. આ કિસ્સાએ સમાજમાં ખોટા આક્ષેપ અને કાનૂની પ્રક્રિયાની મુશ્કેલીઓની ચર્ચા ઉઠાવી છે.
દાહોદમાં એક મહિલાને પરિવારના સભ્યોએ જ અર્ધનગ્ન કરીને સરઘસ કાઢી માર માર્યો હતો. હાઇકોર્ટ દ્વારા આ મામલામાં સુઓમોટો અરજી લેવામાં આવી છે અને કડક ટકોર કરવામાં આવી છે કે, “મહિલા ઘરની બહાર તો નહીં પણ ઘરની અંદર પણ સલામત નથી.”
ગુજરાત હાઇકોર્ટએ સરકારને આ પ્રશ્ન પર યોજનાઓ રજૂ કરવા આદેશ આપ્યો છે. મહિલા સુરક્ષાને લઈને સરકારની નીતિઓ અને અભિગમ કેટલો અસરકારક છે, એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. હાઇકોર્ટમાં આવેલા કેસો મુજબ, મોટા ભાગની મહિલાઓ તેમના પરિવાર દ્વારા જ હેરાનગતિનો સામનો કરી રહી છે.
ગુજરાતમાં મહિલાઓ સાથે થતા અત્યાચારના 50% થી વધુ કિસ્સાઓ ઘરના જ સભ્ય દ્વારા થવા એ ચિંતાજનક વાસ્તવિકતા છે. સરકારે મહિલા સુરક્ષા માટે સ્પષ્ટ નીતિઓ અને કડક અમલ જરૂરિયાત બન્યો છે. આ પ્રકારના કિસ્સાઓને અટકાવવા માટે કાયદેસર પગલાં લેવાના મહત્વને અવગણવામાં ન આવે તે જરૂરી છે.