આણંદ જિલ્લામાં થતા ગુનાઓ જેવા કે લૂંટ કે ચોરી જેવી પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લામાં આવેલ વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર C.C.C.T.V કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફિનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મૂકવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લાની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ડાઈનીંગ હોલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સીસીટીવી કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા જે તે દુકાનો / પેઢીઓ / સંસ્થાઓના માલિકોએ ગોઠવવાના રહેશે.
આ ઉપરાંત કોર્મશીયલ કોમ્પ્લેક્ષ તથા શાળા કોલેજોમાં બનતા અપહરણ-છેડતીના બનાવો અટકાવવા માટે શાળા-કોલેજોના પ્રવેશ નિકાસના રોડની સાઈડ ઉપર આ કેમેરા એવી રીતે ગોઠવવા કે વ્યકિત કે વાહન આઈડેન્ટીફાય થઈ શકે તથા રાત્રિ દરમ્યાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી કવોલીટીના રાખવા અને ૬ માસ સુધી રેકોર્ડીંગ રહે તેવી વ્યવસ્થા રાખવા પણ જણાવવામાં આવ્યું છે. આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.