સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી પછી પણ ફરી લાગેલી લારીઓ, સ્થિતિ જૈસે થે!
આણંદ મહાનગર પાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા આજે સાંજના સુમારે સ્ટેશન વિસ્તાર અને મોટી શાકમાર્કેટ પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જનાર લારીઓરૂપી દબાણો પર ત્રાટકતા જ ભારે નાશભાગ મચી જવા પામી હતી. જો કે દબાણ હટાવાની આ કામગીરી માત્ર ફારસરૂપ હોય તેમ થોડી જ મિનિટોમાં ફરી પાછી લારીઓરૂપી દબાણો ગોઠવાઈ જવા પામ્યા હતા. જેને લઈને સ્થિતિ જૈસે થેની થઈ જવા પામી હતી. આ ગંભીર સમસ્યા પાછળ હપ્તારાજ જવાબાદર હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના સુમારે આણંદ મહાનગરપાલિકાની દબાણ ટીમના ૧૫ જેટલા કર્મચારીઓ બે ટ્રેક્ટરો અને બે વાહનોમાં સજ્જ દઈને દબાણ હટાવવા માટે નીકળ્યા હતા. જો કે મહાનગરપાલિકાએ ટીમ નીકળી એ સાથે જ ટુંકી ગલી, જુના બસસ્ટેન્ડ, સ્ટેશન રોડ અને મોટી શાકમાર્કેટ પાસે લારીઓ અને પાથરણા પાથરીને દબાણો કરી ધંધો કરનારાઓને ખબર પડી ગઈ હતી. જેને લઈને નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. ટીમે સ્ટેશન રોડ અને ખાસ કરીને તો મોટી શાકમાર્કેટ પાસેથી ૪૦ થી ૫૦ જેટલાફ્રુટના કેરેટો તેમજ કેરી અને ચીકુ જેવા ફળોનો જથ્થો જપ્ત કરીને ટ્રેક્ટરોમાં ભરી લેવામાં આવ્યો હતો. જો કે જેવી જ દબાણ ટીમ ત્યાંથી નીકળી ગઈ એ સાથે જ ફરીથી તમામ લારીઓવાળા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા જેને લઈને જૈસે થેની સ્થિતિનું નિર્માણ થઈ જવા પામ્યું હતુ.
દબાણ ટીમ ટુંકી ગલીમાં પાસેથી પસાર થતા જ ત્યાં રોડ ઉપર ઉભા રહેતા લારીઓવાળા પોતપોતાની લારીઓ લઈને ત્યાંથી ભાગ્યા હતા જેને લઈને અફડાતફડીભર્યો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે દબાણ ટીમના હાથમાં એકપણ લારી ના આવતાં ભારે આશ્ચર્ય સર્જાવા પામ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આણંદના સ્ટેસન રોડ, ટુંકી ગલી,જુના બસસ્ટેશન વિસ્તાર, ગુરૂદ્વારા સર્કલ અને મોટી શાકમાર્કેટ પાસે દબાણોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મોટી શાકમાર્કેટ પાસે તો ફુટપાથ ઉપર કબ્જો જમાવી દેવા ઉપરાંત લારીઓવાળા અડધા રોડ ઉપર આવીને ઉભા થઈ જાય છે. એ સાથે જ વાહનચાલકો પણ પોતાના વાહનો છેક રોડ ઉપર પાર્ક કરી દેતા હોય સાંજના સુમારે તો ત્યાંથી નીકળવું પણ ભારે થઈ પડે છે. ત્યારે આજે દબાણ હટાવ ટીમે દબાણો હટાવવાની કામગીરીનો પ્રારંભ કરતા આ કામગીરી દરરોજ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
હપ્તારાજને કારણે દિવસેને દિવસે વધી રહેલા દબાણો
ટ્રાફિકને અડચણરૂપ દબાણો પાછળ પોલીસ અને પાલિકાનું હપ્તારાજ જવાબદાર છે. લારીઓવાળા અને પાથરણાંવાળા પાસેથી દરરોજ હપ્તાઓની વસુલી કરવામાં આવે છે. આ માટે પોલીસ અને પાલિકા દ્વારા પોતાના એજન્ટોની નિમણુક કરી છે. જે અનુસાર સ્ટેશન વિસ્તાર, મોટી શાકમાર્કેટ, ટુંકી ગલી, જુના બસસ્ટેશન વિસ્તાર, મીનરવા ચોકડી પાસે વગેરે જગ્યાએ હપ્તા ઉઘરાવવા માટે પોતાના માણસોની નિમણુંક કરી છે. આ શખ્સ દરરોજ ત્યાં ઉભી રહેતી લારીઓ અને પાથરણાવાળા પાસેથી સીટી ટ્રાફિક પોલીસના ૨૦ અને પાલિકાના ૨૦ એમ ૪૦-૪૦ રૂપિયાનો હપ્તો ઉઘરાવીને સાંજ પડ્યે જે તે ખાતાના અધિકારીને પહોંચતા કરી દેવામાં આવે છે.
અમે શુ કરીએ, આવું જ રહેવાનું : દબાણ હટાવ ટીમના સભ્ય
દબાણ હટાવ ટીમના એક સભ્યએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુ કે, જેવી દબાણ હટાવ ટીમ સ્થળ પરથી નીકળી જાય એ સાથે જ ફરી દબાણો ગોઠવાય છે, આ સ્થિતિ કાયમની થઈ ગઈ છે, અમે શું કરીએ તેમ કહીને પોતાની મર્યાદાનો અહેસાસ કરાવ્યો હતો. જો કે કાયમ માટે દબાણો દુર કરવા માટે ઉપલા અધિકારીઓ રસ લે તો જ શક્ય બની શકે તેમ છે. નહીં તો દબાણોની સમસ્યા યથાવત જ રહેવાની છે તેમ ભારપુર્વક જણાવ્યું હતુ. સ્ટેશન રોડ, ટુંકી ગલી, મોટી શાકમાર્કેટ,ગુરૂદ્વારા સર્કલ સહિતના વિસ્તારોમાં ખડકાતા લારી અને પાથરણારૂપી દબાણો માથાનો દુ:ખાવો થઈ જવા પામ્યા છે.