આણંદ: વિશ્વ પર્યાવરણ પખવાડિયાની શરૂઆત, 5 શ્રેષ્ઠ સફાઈ કર્મીઓને સન્માન
આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ પખવાડિયાની ઉજવણીના પ્રથમ દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપના અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ દરેક સફાઈ કર્મચારીને રૂપિયા 10 હજારનો ચેક આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બે ઈ-રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ રિક્ષાઓ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ઈ-વેસ્ટ એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાશે.

ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે આણંદને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અભિનંદનીય છે. કાર્યક્રમમાં પ્રશાસનના અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
