આણંદવાસીઓ માટે ખુશખબર: 200 લોકોની ક્ષમતા ધરાવતો સ્વિમિંગ પુલ તૈયાર થશે
આણંદ શહેર 125 વર્ષ સુધી નગરપાલિકા રહી હતી. છેલ્લાં 25 વર્ષથી 1.50 લાખ ઉપરાંત વસ્તી હોવા છતાં આનંદ પ્રમોદ અને વ્યાયામ માટેના પુરતી સુવિધા હતી નહીં. ખાસ કરીને પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ ન હોવાથી બાળકો સહિત સૌ કોઇને સ્વિમિંગ માટે ખાનગી સ્વિમિંગ પૂલમાં જવું પડતું હતું. જેથી મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો અને યુવાનો સ્વિમિંગ શીખવાથી વંચિત રહેતા હતા.
આખરે પાલિકા સંચાલિત 2 સ્વિમિંગ પૂલ બનાવવાનો નિર્ણય કર્યો હતો.અક્ષર ફાર્મની પાછળના ભાગે કાનોડ તલાવડી નજીક ટીપી 10 માં 8 કરોડના ખર્ચે નવિન સ્વિમિંગ પૂલ તૈયાર થઇ રહ્યો છે. જેમાં 200 લોકો એક સાથે સ્વિમિંગ કરી શકશે
સ્વિમિંગ પુલમાં કેવાં પ્રકારની વ્યવસ્થા હશે 100 મિટર લાંબો અને 20 મિટર પહોળો સ્વિમિંગ પૂલ તૈયાર થઇ રહ્યો છે. 200 બાળકો એક સાથે સ્વિમિંગ પૂલનો લાભ લઇ શકશે. સ્વિમિંગ પુલનું પાણી બદલી શકાય તે માટે અંડર ગ્રાઉન્ડ આધુનિક કોકની સુવિધા હશે. લાઇફગાર્ડ પોસ્ટ, રેસ્ક્યુ ટ્યુબ, લાઇફ જેકેટ,પોલ રેસ્ક્યુ હૂક,ફર્સ્ટ એડ કિટ,ઇમર્જન્સી એલાર્મ,સીપીઆર કીટ, ઓક્સિજન મશીન અને સેફ્ટી સાઇનબોર્ડ વગેરેની વ્યવસ્થા કરાશે.
આણંદ નગરપાલિકા મનપામા ફેરવાય તેને માત્ર 4 માસ થયા છે. તેમ છતાં કમિશ્નરે પાયાના જરૂરીયાતવાળા કામોને પ્રાધાન્ય આપ્યું છે.જેમા સ્વિમિંગ પૂલની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. પીન્થ લેવલની કામગીરી પૂર્ણ થઇ છે. આમ તળ્યું તૈયાર થઇ જતાં 70 ટકા કામ પૂર્ણ થયું છે. બાકીનું કામ 4 માસમા પતાવી દેવાશે તેમ ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું છે.