ચા-પાનની દુકાનમાંથી ગાંજો જપ્ત, વેપારીની ધરપકડ
કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ નજીક SOG પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે શિવાનંદની ટેકરી વાઘજીપુરા જાહેર રોડ પર આવેલી એક ચા-પાનની દુકાન પર દરોડો પાડ્યો હતો. દુકાનના માલિક ચંદ્રકાંત ઉર્ફે લાલો ક્રિપાશંકર સેવકની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક બેગમાંથી 2 કિલો 180 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. FSL દ્વારા આ જથ્થાની તપાસ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામના સુરજ શંકરસિંહ ચાવડા પાસેથી ગાંજો મેળવતો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ચંદ્રકાંત ઉર્ફે લાલો પોતાની ચા-પાનની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસને આ અંગે પાકી બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.