Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

સમાધાનનો પ્રયાસ થયો ખતરનાક: વકીલ પર જીવલેણ હુમલો

સમાધાનનો પ્રયાસ થયો ખતરનાક: વકીલ પર જીવલેણ હુમલો

આણંદ નજીક આવેલા ચીખોદરા ગામના ગેટ સામે પરમદિવસની રાત્રીના સુમારે સમાધાન કરાવવા વચ્ચે પડેલા વકિલને લોખંડનો સળિયો, બેઝ સ્ટીક અને લાકડાના ડંડાથી ઢોર માર મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પીટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આણંદ રૂરલ પોલીસે આ અંગે એટ્રોસીટી વિથ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ત્રણેયને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી વિજયભાઈ લલ્લુભાઈ મકવાણાના મોબાઈલ ફોન ઉપર ગત ૧૯મી તારીખના રોજ સાંજના સુમારે હિતેષ ઉર્ફે ભીંડી ચીમનભાઈ પરમારનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતુ કે, રાજુ ઉર્ફે અઠ્ઠો અને સંજય પરમાર તેના પિતાને ગાળો બોલે છે, તો તમો ચીખોદરા ગેટ પાસે આવો. જેથી વિજયભાઈ ત્યાં જતા ગેટ પાસે હિતેશ ઉર્ફે ભીંડી મળ્યો હતો અને તેની વાત સાંભળીને બન્ને પક્ષો વચ્ચે ફોન ઉપર સમાધાનની વાતચીત શરૂ કરીહતી. ત્યારબાદ છુટા પડીને રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે વિજયભાઈ, હિતેશ ઉર્ફે આરકે, અને હિતેશ ઉર્ફે ભીંડી ભેગા થયા હતા અને ચીખોદરા ગેટની સામે ભંડારની બાજુમાં આવેલા લાલાભાઈ ચંપલની દુકાનની બાજુના ખુલ્લા પ્લોટમાં ખુરશીઓ નાંખીને બેઠા હતા.

રાત્રીના ૧૧.૩૦ કલાકે સફેદ કલરની ઈકો કારમાં રાજુ ઉર્ફે અઠ્ઠો લોખંડનો અણીદાર સળીયો, કિશન પરમાર બેઝ સ્ટીક સાથે તેમજ ગુડીયા ડંડો લઈને આવી પહોંચ્યા હતા અને વિજયને કેમ સમાધાન કરાવવા તુ વચ્ચે પડે છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને મારી નાંખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો. રાજુ ઉર્ફે અઠ્ઠાએ લોખંડના સળિયાથી બરડા, જમણા પગના થાપામાં, છાતીના ભાગે માર્યો હતો.ત્યારબાદ અણીવાળો સળિયો જમણા હાથની કોણી પાસે ઘુસાડી દીધો હતો. કીશન અને ગુડીયાએ બેઝ સ્ટીક અને ડંડાથી કમર,બરડા,ખભાના ભાગે ઢોર માર માર્યો હતો. હિતેશ ઉર્ફે આરકેને બરડાના ભાગે મારતા બન્ને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમ્યાન નીચે પડી ગયેલા વિજય મકવાણાને અપમાનજક શબ્દો સાથે ગાળો બોલીને માર મારીને ત્રણેય કારમાં સવાર થઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા વિજય મકવાણાને સારવાર માટે કરમસદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતા. ત્યાંથી વધુ સારવાર માટે આણંદની ખાનગી હોસ્પીટલમાં લઈ જતાં ત્યાં આઈસીયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને એસસીએસટી સેલના ડીવાયએસપી પાર્થ ચોવટીયાએ તપાસ હાથ ઘરીને ત્રણેય શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.

હુમલાના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

ચીખોદરાના દલિત એડવોકેટ વિજયભાઈ મકવાણા ઉપર પરમદિવસની રાત્રીના સુમારે કરાયેલા હિચકારા હુમલાના વિરોધમાં આજે અનુસુચિત જાતિ મોરચા, ભીમ આર્મી સહિત વિવિધ દલિત સંગઠનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયેલા ત્રણેય માથાભારે શખ્સોને જેમ બને તેમ વહેલી તકે ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવા, જિલ્લાના દારૂ-જુગારના બુટલેગરો વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવા તેમજ અનુસુચિત જાતિના યુવક-યુવતીઓને હથિયારના લાયસન્સ આપવાની માંગણી કરવામાં આવી હતી.

Advertisement

આણંદ ડીસ્ટ્રીક્ટ બાર એસો.એ આરોપીઓનો કેસ નહીં લડવાનો ઠરાવ કર્યો.

ચીખોદરાના વકિલ વિજયકુમાર મકવાણા ઉપર કરાયેલા હિચકારા હુમલા સંદર્ભે આજે આણંદ ડીસ્ટ્રીક્ટ બાર એસો.ની તાકીદની બેઠક મળી હતી. જેમાં હુમલાને વખોડી કાઢીને નિંદા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આણંદ ડીસ્ટ્રીક્ટ બાર એસો. અંતર્ગત આવતી તમામ કોર્ટોના કોઈપણ વકિલે આરોપીઓનો કેસ નહીં લડવાનો પણ ઠરાવ કર્યો હતો. સમગ્ર હુમલા પ્રકરણ સંદર્ભે આણંદ ડીસ્ટ્રીક્ટ બાર એસો.ના પ્રતિનિધીઓ ડીએસપીને મળીને આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરશે તેમ જાણવા મળ્યું છે.





Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement