આણંદવાસીઓ માટે હાશકારો: તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
આણંદ જિલ્લામાં આ વર્ષ એપ્રિલના ત્રીજા અઠવાડિયાની શરુઆતથી જ ધગધગતી ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. ૪૦ પ્લસ તાપમાનના પારાના કારણે આકાશમાંથી આગ વરસતી હોવાના અનુભવ સાથે ગરમ પવનો ફૂંકાતા હિટ વેવની અસર સર્જાઇ હતી. જેમાં બે દર્દીઓને હિટ વેવની અસર થતા હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયા હતા.
આજે તા. ર૧ના રોજ હિટ વેવ એલર્ટની સંભાવના વ્યકત કરવામાં આવતી હતી. પરંતુ એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા તાપમાનનો પારો ર.પ ડિગ્રી ઘટીને ૩૮ નોંધાયો હતો. જયારે લઘુત્તમ તાપમાન પણ ૩ ડિગ્રી વધીને ર૪.પ નોંધાયું હતું. જેથી બપોર બાદ વાતાવરણમાં ઉકળાટ કે બફારાનો અનુભવ ન થતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે ભેજનું પ્રમાણ ૯૧ ટકા હોવાની સાથે પવનની ગતિ પ્ર.ક. ૪.૭ કિ.મી. હોવાથી મોડી સાંજ બાદ ઠંડી લહેરખી અનુભવાઇ હતી.