તળાવો ખાલી કરવા આણંદ મનપાનું મોટું પગલું: પ.૭૮ કરોડના કામો માટે ટેન્ડર જાહેર
આણંદ મનપા વિસ્તારમાં નાના, મોટા મળીને ૧૯ તળાવો આવેલા છે. જે પૈકી શહેરના લોટેશ્વર અને ગોયા તળાવના પુન: બ્યુટીફિકેશનની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આ બંને તળાવોમાં પાણી ભરાઇ રહે તે માટે તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.
બીજી તરફ આણંદના ઇસ્માઇલનગરના મહુડી તળાવ, રઘુવીર નગરના ઠેડી તળાવ તેમજ મોગરી, જીટોડિયા અને ગામડીના તળાવને ચોમાસા અગાઉ ખાલી કરીને ઊંડા કરવાનું આયોજન કરાયું છે. આ પાંચેય તળાવોમાં ચોમાસામાં ભારે વરસાદના પગલે પાણી ઓવરફલો થઇને આસપાસના વિસ્તારોમાં દિવસો સુધી ભરાઇ રહેતા હોવાની સમસ્યા સર્જાય છે. રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા હોવાથી સામાન્ય અવરજવર કરવી સ્થાનિકો માટે મુશ્કેલરુપ બની રહે છે.
આ પાંચેય તળાવોની કામગીરી બે તબકકામાં હાથ ધરવામાં આવનાર છે. જેમાં ફૈઝ-૧ અંતર્ગત આ તળાવોને ખાલી કરીને ત્રણથી ચાર મીટર ઊંડા કરવામાં આવનાર છે. જે માટે મનપા દ્વારા જાહેર કરાયેલ પ.૭૮ કરોડના ટેન્ડરની ર૬ એપ્રિલ,ર૦રપ છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં આવેલા ટેન્ડરોને ર૮ એપ્રિલે ખોલવામાં આવશે. જેમાંથી નિયમોનુસાર કોન્ટ્રાકટ અપાશે. મનપાના અધિકારિક સૂત્રોનુસાર ચોમાસા અગાઉ પાંચેય તળાવોને ખાલી કરીને (ડિ-વોટરીંગ) ત્રણથી ચાર મીટર ઊંડા કરવાની કામગીરી ઝપાટાભેર પૂરી કરવા કોન્ટ્રાકટરને જણાવવામાં આવશે. ત્યારબાદ ફૈઝ-ર અંતર્ગત પાંચ તળાવોના બ્યુટીફિકેશન સહિતની કામગીરીને આવરી લેવામાં આવશે. જે માટે ટેન્ડરીંગ પ્રકિયા હાથ ધરવામાં આવશે.
આણંદના મહુડી, ઠેટી, ગામડી, જીટોડિયા અને મોગરીના તળાવોનું પ્રથમ તબકકામાં ડી-વોટરીંગ અને ઊંડા કર્યા બાદ મનપા દ્વારા ફૈઝ-રની કામગીરી માટે ટેન્ડરીંગ કરાશે. જેમાં પાંચેય તળાવોની ફરતે વોક-વે સહિત બ્યુટીફિકેશન કરવામાં આવશે. ઉપરાંત ઓકિસજન પાર્કની કામગીરીનો પણ આ તબકકામાં સમાવેશ કરાશે.