ખેડામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ
ખેડામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો. ખાણ ખનીજ વિભાગે રઢુ ગામ પાસે વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રિજ તોડ્યો.ખનીજ માફિયાઓ દ્વારા વાત્રક નદી પર વાહનોનું વહન કરવા આ ગેરકાયદે બ્રિજે બનાવ્યો હતો. જેને લઈને રઢુ ગામના સરપંચે ખાણ ખનીજ વિભાગને ગેરકાયદે ચાલતા ગોરખધંધાની જાણ કરી. સરપંચની રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરી હતી. કલેકટરે ગેરકાયદે બ્રિજ તોડવાનો આદેશ કર્યો હતો.
ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે થતી ખનીજ ચોરીને લઈને કડક વલણ અપનાવ્યું છે. સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ ખનીજ માફિયાઓ સામે વહીવટીતંત્રે લાલ આંખ કરી છે. ખેડાના રઢુ ગામની આસપાસ મોટાપાયે ખનીજ ચોરી થઈ રહી છે. અને આ ખનીજ ચોરીમાં વધુ સરળતા રહે માટે કેટલાક અજાણ્યા શખ્સ દ્વારા તંત્રની મંજૂરી લીધા વગર વાત્રક નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ગેરકાયદે બનાવેલ બ્રિજ પરથી ખનીજ ચોરી કરતા વાહનો સરળતાથી મુખ્ય માર્ગ સાથે જોડાઈ શકે માટે આ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હતો. અજાણ્યા શખ્સોએ વાત્રક નદીના વહેણને અવરોધી પાઈપથી બ્રિજ બનાવ્યો હતો.
રઢુ ગામના સરપંચે વાત્રક નદી પરના ગેરકાયદે બ્રિજ અને ખનીજ ચોરીનો મામલો ધ્યાનમા આવતા ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી. સરપંચે વિભાગને કહ્યું કે આ રીતે થતા ગેરકાયદે કામોના કારણે ખનીજ માફિયાઓ કાયદા તોડી મનમાની કરે છે. ખનીજ માફિયા સામે કડક પગલાં લેવા જોઈએ. સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. જેના બાદ કલેકટરે ગેરકાયદે બ્રિજ તોડવા આદેશ કર્યો હતો. આ મામલે ખેડા મામલતદાર જે.કે.ખસીયાએ નિવેદન આપતા કહ્યું કે SDMની સ્થળ વિઝિટ માટેની સૂચના બાદ વાત્રક નદીના પરના બ્રિજની હકીકત તપાસ કરતા તે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હોવાથી તોડી પાડવામાં આવ્યો. પરંતુ આ ગેરકાયદે પુલ કોણે બનાવ્યો તે અંગે માહિતી મળી નથી. અમે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરીશું. વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રિજ તોડી પાડતા રઢુ ગામના સરપંચે રજૂઆત સાંભળી કાર્યવાહી કરવા બદલ વહીવટીતંત્રનો આભાર માન્ય હતો.