આઇપીએલ વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ શનિવારે સીઝનની પહેલી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે ટકરાવા તૈયાર છે. ઓપનિંગ સેરેમની માટે પણ કાર્યક્રમ નક્કી કરી દેવાયા છે. જેમાં દિશા પટાની અને શ્રેયા ઘોષાલ જેવા કલાકાર પર્ફોમન્સ આપશે.
જોકે, ઓપનિંગ સેરેમનીથી ઠીક એક દિવસ પહેલા કોલકાતાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સીઝનની પહેલી મેચ સંપૂર્ણ રીતે રદ થવાનું જોખમ છે કેમ કે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે.
ભારતીય હવામાન વિભાગે ગુરુવારથી રવિવાર સુધી દક્ષિણ બંગાળમાં વાવાઝોડું અને વરસાદની ભવિષ્યવાણી કરી છે. આઇપીએલ 2025ની મેચના પહેલા દિવસે 22 માર્ચ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે રવિવાર માટે યલો ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.એક્યુવેધર અનુસાર શનિવારે કોલકાતામાં વરસાદની 74% શક્યતા છે, જ્યારે વાદળ છવાઈ રહેવાની શક્યતા 97% છે. સાંજે વરસાદની શક્યતા 90% સુધી થઈ જશે. તેથી એ લગભગ નક્કી છે કે આઇપીએલની 18મી સીઝનના પહેલા દિવસે ઇડન ગાર્ડનમાં ખૂબ વરસાદ પડશે. કેકેઆર અને આરસીબી પરિણામ લાવવા માટે પૂરતી ઓવર રમી શકશે કે નહીં. એ કહેવું પણ હાલ મુશ્કેલ છે.