કેસના કારણો અને કંપનીનો આરોપ
ઈલોન મસ્કની કંપની X કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં ભારત સરકાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીએ આઇટી અધિનિયમની ધારા 79 (3) (બી)નો દુરુપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. X નું કહેવું છે કે સરકાર ગેરકાયદે સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે, જેનાથી પ્લેટફોર્મનું સ્વતંત્ર સંચાલન પ્રભાવિત થઈ રહ્યું છે. 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર સામેના દાવા અને સવાલો
X કોર્પ અનુસાર, ભારત સરકાર ધારા 79(3)(બી)ની ખોટી રીતે વ્યાખ્યા કરી રહી છે અને મનફાવે તેમ કન્ટેન્ટ બ્લોક કરવા માટે આદેશ આપી રહી છે, જે ધારા 69એના નિયમોનું ઉલ્લંઘન કરે છે. કંપનીનું કહેવું છે કે કન્ટેન્ટ દૂર કરાવતાં પહેલા લેખિતમાં યોગ્ય કારણ દર્શાવવું જોઈએ અને સુનાવણીની તક આપવી આવશ્યક છે. આ મામલે 27મી માર્ચે સુનાવણી થવાની છે.
અગાઉના કેસ અને કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે 2022માં પણ X કોર્પે સરકારના આદેશ સામે કોર્ટમાં દાવો કર્યો હતો, જેમાં પારદર્શકતાની ઉણપ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બીજી તરફ, કેન્દ્ર સરકારે પણ X સામે સવાલ ઉઠાવ્યા છે, ખાસ કરીને AI ચેટબોટ Grok દ્વારા અપશબ્દોના ઉપયોગને લઈને કંપની પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે.