છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગુરુવારે બીજાપુર-દંતેવાડા બોર્ડર પર સુરક્ષા દળોએ 22 નક્સલીઓને ઠાર કર્યા હતા. આ અવસર પર ગૃહમંત્રી અમિત શાહે ભારતને નક્સલ મુક્ત બનાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થઈ જશે. છત્તીસગઢના ગંગાલુર પીએસ સીમા નજીક બીજાપુર-દંતેવાડા બોર્ડર પર ગુરુવારે સવારે 7 વાગ્યાથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો, આ દરમિયાન સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 22 નક્સલીઓને ઠાર કર્યા હતા.
સુરક્ષા દળો દ્વારા મળેલી આ મોટી સફળતાના અવસર પર ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે આપણા જવાનોએ નક્સલ મુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. અમારા સુરક્ષા દળો દ્વારા છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં બે અલગ-અલગ ઓપરેશનમાં 22 નક્સલવાદીઓ માર્યા ગયા.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દય અભિગમ સાથે આગળ વધી રહી છે અને તે નક્સલવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે જેઓ આત્મસમર્પણથી લઈને સમાવેશ સુધીની તમામ સુવિધાઓ હોવા છતાં આત્મસમર્પણ કરતા નથી. આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે.
એન્કાઉન્ટર સ્થળ પરથી 22 નક્સલવાદીઓના મૃતદેહ અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ સાથે જ આ એન્કાઉન્ટરમાં બીજાપુર ડીઆરજીનો એક જવાન પણ શહીદ થયો છે. એન્કાઉન્ટર સ્થળ પરથી AK 47, SLR જેવા મોટા હથિયારો મળી આવ્યા છે.
બીજાપુરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી પર રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું કે, બીજાપુર, દંતેવાડાના ગંગાલુરમાં સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 22 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. નક્સલી એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે. તેમણે શહીદ સૈનિકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, છત્તીસગઢની આખી સરકાર શહીદ સૈનિકના પરિવાર સાથે ઉભી છે. જવાનોની તાકાતના કારણે મોટું ઓપરેશન સફળ રહ્યું છે. નક્સલવાદથી મુક્ત થવાની વાત કરતાં તેમણે કહ્યું કે, બીજાપુર નક્સલવાદનો મોટો વિસ્તાર છે. બીજાપુર લાલ આતંકથી મુક્ત થશે.