એસ.પી યુનિ.માં એમ.ફીલનો અભ્યાસ કરતી પરિણીતાની જાતિય સતામણીમાં પ્રોફેસરને 3 વર્ષની જેલ
વિદ્યાનગર સ્થિત એસ.પી યુનિવર્સિટીમાં એમ.ફીલનો અભ્યાસ કરતી એક પરિણીત વિદ્યાર્થિનીને બાથમાં લેવાનો પ્રયત્ન કરી, ગાલ ઉપર ચુંબન કરી, જાતીય છેડછાડ કરનાર માર્ગદર્શક (ગાઈડ)ને કોર્ટે કસુરવાર ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુર્નીવસીટીના સાયકોલોજી ડીપાર્ટમેન્ટમાં દશ વર્ષ અગાઉ એક પરિણીતાએ એમ.ફીલ માં એડમિશન લીધું હતું. તેઓને અભ્યાસના ભાગરૂપે માર્ગદર્શક (ગાઈડ) તરીકે ડો. લક્ષકુમાર રવીશંકર યાજ્ઞીક (ઉં.વ 62) ની ફાળવણી થયેલી હતી. આ પરિણીત વિદ્યાર્થિની તારીખ 24-2-14 ના રોજ સાંજના સમયે એમ.ફીલના થીસીસ અંતર્ગત એસ.પી.એસ.એસ.ની જાણકારી માટે ડો.યાજ્ઞીકના કેબીનમા પરવાનગી લઈને ગઈ હતી અને પોતે એસ.પી.એસ.એસ.નુ કામ કરતી હતી. ત્યારે ડો.યાજ્ઞીક ખુરશી ઉપરથી ઉભા થઈને આ પરિણીતાના ખભા ઉપર હાથ મુકી બાથમાં લેવાનો પ્રયત્ન કરી, જાતીય છેડછાડ કરી, તેણીના ગાલ ઉપર ચુંબન કરવા લાગ્યાં હતાં.
આ અંગે પરિણીતાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરીયાદ આપી હતી. જેના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354(એ)(1) તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ડો.એલ.આર.યાજ્ઞીકની અટકાયત કરી હતી. જે બાદ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસ આણંદના ચોથા એડિશનલ સેસન્સ જજ જે.આર.પંડિત ની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરીયાદી પક્ષના સરકારી વકીલ એ.એસ.જાડેજા એ 19 મૌખિક પુરાવા તેમજ 22 દસ્તાવેજી પુરાવા રજુ કર્યાં હતાં અને સાથે ધારદાર દલીલો પણ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી લક્ષકુમાર રવીશંકર યાજ્ઞીકને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 235(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 354(એ)(1) મુજબના ગુનામાં કસુરવાર ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે. દંડની આ રકમ ભોગ બનનારને વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો છે. જો આરોપી દંડની આ રકમ ભરવામા કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.