ચોમાસા પહેલા શહેર સાફ કરવાનું ઝુંબેશરૂપ પગલું : હોર્ડિંગ્સ અંગે 150 નોટિસ
ચોમાસા અગાઉ તેમજ આગામી માસમાં વૈશાખી પવનોને કારણે હોર્હિંગ્સના કારણે કોઇનો જીવ જોખમમાં ન મુકાયા તે હેતુથી આણંદ મનપા હેઠળ આવેલા આણંદ,વિદ્યાનગર અને કરમસદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગો અને ખાનગી જગ્યાઓ પર ગેરકાયદે હોર્ડિંગ્સ- બેનર લગાવનારા 150દુકાનદારોને નોટિસો આપી 15 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે પોલિસી નક્કી નહીં હોવાથી આડેધડ દંડ ફટકારાતો હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે જૂની પોલિસી મુજબ નોટિસ આપી હોવાનું આધાર ભૂત સૂત્રો જણાવ્યું હતું.
મનપાની ઝપટમાં આવેલા અને નોટિસો અપાઈ હોય તેવા વેપારીઓનું જણાવવું છે કે, મનપા દ્વારા આડેધડ રકમની નોટિસો આપવામાં આવી રહી છે. હોર્ડિંગ્સ- બેનરોની સાઈઝ, લંબાઈ, પહોળાઈ સંદર્ભે કોઈ પોલિસી નક્કી કરાઈ નથી ત્યારે કેટલાકને તો 1 લાખ રૂપિયા સુધીની રમકની નોટિસો અપાઈ છે. મનપામાં દંડ ભરવા જઈએ ત્યારે કેટલો દંડ ભરવો તે નક્કી હોતું નથી. ચર્ચા- વિચારણા બાદ નક્કી થયેલા દંડની રકમ ભરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. કમિશનરની સત્તા નવી છે પરંતુ, જૂના કર્મચારીઓ દ્વારા ભૂતકાળના અણબનાવ, ફરિયાદોનું મનદુઃખ રાખી પક્ષપાતથી વેપારીઓને આડેધડ દંડ ફટકારાતો હોવાનો આક્ષેપ કરાયો છે.
દંડ વસૂલ કરતા વિભાગના રાકેશભાઈએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી કુલ રૂા. 3.75 લાખનો દંડ વેપારીઓ દ્વારા ભરવામાં આવ્યો છે. હજૂ દંડ ભરવાની કામગીરી શરૂ છે. આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર, ગ્રીડ ચોકડી, સ્ટેશન રોડ સહિત મુખ્ય માર્ગોની ચોકડીઓ ઉપર તથા વિદ્યાનગર ખાતે પણ માર્ગો ઉપર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા ચોમાસા પહેલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે તેમ નગરજનોની માંગ છે.