નડિયાદ: મરીડા રોડ વિસ્તારમાં સ્માર્ટ મીટર વિરુદ્ધ રહીશોનો વિરોધ

નડિયાદ : નડિયાદ શહેરમાં મરીડા ભાગોળ વિસ્તારની સોસાયટીઓમાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વખતે મહિલાઓ સહિત રહીશોએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી હતી. બાદમાં સમજાવટ બાદ મીટર લગાવવાનું શરૂ કરાયું હતું.
રાજ્યમાં વીજ કંપની દ્વારા જૂના મીટરોના સ્થાને માર્ચ મીટર સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ખેડા જિલ્લામાં નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે.
આ નવા સ્માર્ટ મીટર લગાવવા જતા કર્મચારીઓ સાથે સોસાયટીના રહીશો, મહિલાઓ સાથે બોલાચાલીના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે નડિયાદ શહેરમાં મરીડા ભાગોળ વિસ્તારની સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે મદની સોસાયટીની મહિલાઓ સહિત રહીશોએ સ્માર્ટ મીટર લગાવવાનો ભારે વિરોધ કર્યો હતો. સોસાયટીમાં રહીશો દ્વારા સ્માર્ટ મીટર લગાવવા દેવામાં ના આવતા એમજીવીસીએલના અધિકારીઓને દોડી આવવું પડયું હતું. એમજીવીસીએલના અધિકારીઓએ સોસાયટીના રહીશોને સમજાવ્યા હતા.
જેથી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટર લગાવવાની સંમતિ આપતા જૂના મીટરોના સ્થાને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.