આણંદ જિલ્લામાં કમોસમી પવન-વરસાદે બેના જીવ લઈ લીધા સાથે મૃતાંક ૩ ઉપર પહોંચ્યો
આણંદ જીલ્લામાં ગઈકાલે સાંજના સુમારે ૫૦ કીમીની ઝડપે ફુંકાયેલા પવન અને ત્યારબાદ પડેલા વરસાદને પગલે-પગલે વધુ બેના મોત થયાનું ઉજાગર થવા પામ્યું છે. વિદ્યાનગરના એલીકોન પાસેથી બાઈક લઈને જતા ચાલક ઉપર ઝાડ પડતાં તેનું દબાઈ જવાથી મોત થયું હતુ જ્યારે સંદેશર ચોકડી પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં યુવાનનું મોત થયું હતુ. આ સાથે જ મૃતાંક ૩ ઉપર પહોંચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા આણંદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. ભર ઉનાળે અષાઢ જેવો માહોલ સર્જાઈ જવા પામતાં ઠેર-ઠેર વૃક્ષો તુટી પડવાની ઘટના સર્જાવા પામી હતી. જેમાં આણંદ પંથકમાં ત્રણના મોત થયા હતા. શહેરમાં રહેતો કેયુરભાઈ સંજયભાઈ પટેલ નામનો યુવક ગઈકાલે સાંજના સુમારે પોતાનું બાઈક લઈને વિદ્યાનગરના એલીકોન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ઝાડ તુટીને તેના પર પડતા તે દબાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા હતા અને ઝાડને હટાવીને તેને બહાર કાઢી તુરંત જ ૧૦૮ મોબાઈલ વાન દ્વારા હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતુ.
જ્યારે બીજા બનાવમાં પેટલાદ તાલુકાના ઘુંટેલી ગામના મદનપુરામાં રહેતો નિલેસભાઈ રમેશભાઈ સોલંકી રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઈને સંદેશર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બાઈક સ્લીપ ખાઈ જતાં તે રોડ ઉપર પટકાયો હતો. જેમાં શરીરના ભાગે ગંભીર ઈજાએો થતાં તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈજવામાં આવ્યો હતો. જ્યાં તેનું અવસાન થયું હતુ. આ પુર્વે આણંદના તાલુકા પંચાયતની દિવાલ પાસેનું ઝાડ તુટીને દિવાલ પર પડતા દિવાલ તુટી પડી હતી અને તેની નીચે દબાઈ જવાથી એક વૃ્ધ્ધાનું મોત થયું હતુ. જ્યારે વૃદ્ઘને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.