આણંદના વીજતંત્રને વાવાઝોડાનું ઝાટકો, સબસ્ટેશન સહિતના સાધનોને નુકસાન
સોમવારે સાંજના સુમારે આણંદ જિલ્લામાં થયેલ વાવાઝોડાના કારણે મધ્ય ગુજરાત વીજ કંપની આણંદ સર્કલ ઓફિસ અંતર્ગત આવેલ વીજપોલ, ટ્રાન્સફોર્મર, ફીડર અને ૬૬ કેવી સબ સ્ટેશનને નુકસાન થવા પામ્યું છે. સમગ્ર આણંદ જિલ્લામાંથી પાંચ હજારથી વધુ કંપ્લેન મળી હતી. તેમાંથી મંગળવાર સાંજ સુધીમાં ૩૬૨૧ ફરિયાદનું નિરાકરણ કરાયું છે.
આણંદ મધ્ય ગુજરાત વીજ કંપની લી.ની સર્કલ કચેરી અંતર્ગત આવતા ૩૪૫ ગામો આણંદ શહેર અને નવ ટાઉનમાં ગત સાંજના સુમારે થયેલ વાવાઝોડાના કારણે વ્યાપક અસર થવા પામી હતી.
જિલ્લાના ૩૪૫ ગામોમાં વીજળી ડૂલ થવાની ફરિયાદ મળી તેમાંથી મંગળવાર સાંજ સુધીમાં ૨૯૯ ગામોની ફરિયાદનું નિરાકરણ કરાયું છે અને ૪૬ પેન્ડીંગ રહી છે. આણંદ શહેર અને જિલ્લાના નવ ટાઉનમાંથી મળેલ ફરિયાદનું નિરાકરણ કરાયું છે. જોકે સમગ્ર આણંદ જિલ્લામાં વાવાઝોડાના કારણે ૪૯૯ વીજપોલને નુકસાન થયું હતું તેમાંથી મંગળવાર સાંજ સુધીમાં માત્ર ૩૪ પોલ બદલવામાં આવ્યા છે અને ૪૬૫ પોલ બદલવાના બાકી રહ્યા છે. જિલ્લામાં ૫૧ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું અને કામ કરતા બંધ થઇ ગયા હતા. તેમાંથી ૬ ટ્રાન્સફોર્મરનું મરામત કામ કરી દેવાયું છે અને ૪૫નું કામ કરવાનું હજુ બાકી રહ્યું છે. જિલ્લાના ૩૬૩ ફીડરને વાવાઝોડાના કારણે નુકસાન થયું હતું અને કામ કરતા બંધ થયા હતા. તેમાંથી ૨૯૧ ફીડર ચાલુ કરી દેવાયા છે અને ૭૨ ફીડરનું કામ બાકી રહ્યું છે. જિલ્લામાં આવેલ ૪૨ ૬૬ કેવી સબ સ્ટેશનનું મરામત કામ પૂર્ણ કરી દેવાતા હાલમાં કાર્યરત છે પરંતુ સમગ્ર આણંદ જિલ્લામાં વીજળી ડૂલ થવાથી મળેલ ૫૮૨૬ ફરિયાદોમાંથી મંગળવાર સાંજ સુધીમાં૩૬૨૧ ફરિયાદોનું નિરાકરણ કરાયું છે અને હજુ ૨૨૦૫ ફરિયાદ પેન્ડીંગ છે. એટલે સમગ્ર આણંદ જિલ્લામાં વીજપુરવઠો રાબેતા મુજબ થવાને હજુ એકાદ દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાત વીજ કંપની લી. આણંદની કચરીના કાર્યપાલક ઇજનેર સુભાષ વસાવાના જણાવ્યા મુજબ વાવાઝોડાના કારણે ૭૮.૦૬ લાખનું નુકસાન થયાનું પ્રાથમિક તારણ છે.
વાવાઝોડામાં વનવિભાગ હસ્તકના ૬૭ વૃક્ષો તૂટી પડ્યા
સોમવારે સાંજના સુમારે પવન સાથે વરસાદ પડતા આણંદ જિલ્લામાં ઠેરઠેર વૃક્ષો પડી ગયા હતા તેને લઇને જાનહાનિ પણ થવા પામી છે અને વૃક્ષો પડી જવાના કારણે થોડો સમય માર્ગો પણ બંધ રહ્યા હતા. વનવિભાગ આણંદ હસ્તકના જિલ્લામાં આવેલ વૃક્ષો પૈકીના ૬૭ વૃક્ષો ધરાશાયી થયા હતા. જોકે તેને વનવિભાગની ટીમ દ્વારા કાપી હટાવી લેવાયા છે. ગત સાંજના સુમારે પવનના સુસવાટા સાથે સમગ્ર આણંદ જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે ઠેરઠેર વૃક્ષો તૂટી પડ્યા હતા. વૃક્ષોની સાથે સાથે વીજપોલ અને વીજલાઇન પર વૃક્ષો પડવાથી ઠેરઠેર વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો જે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી અનેક સ્થળોએ રાબેતા મુજબ થયો નથી. આણંદ જિલ્લા વનવિભાગ હસ્તકના ૬૭ વૃક્ષોની સાથે સાથે અનેક ખાનગી વૃક્ષો તૂટી પડ્યા હતા. વાવાઝોડાની તીવ્ર અસર તારાપુર અને માતર તાલુકામાં સૌથી વધારે જોવા મળી હતી.