આણંદ જિલ્લામાં ઉનાળામાં માવઠાના વરસાદથી પાકને ભારે નુકસાન
આણંદ જિલ્લામાં પણ ગતરોજ ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદના કારણે તારાજી સર્જાઇ હતી. જેમાં ખાસ કરીને ઉનાળામાં આવેલા માવઠાંના વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
આણંદ જિલ્લામાં ૩૭ હજાર ઉપરાંત હેકટરમાં બાજરી અને ર૧ હજાર ઉપરાંત હેકટરમાં ડાંગર, ૧૧ હજાર હેકટરમાં શાકભાજીના મુખ્ય પાકો ઉનાળુ વાવેતરમાં કરવામાં આવ્યા છે. ખાસ કરીને બાજરી ઉપરાંત ડાંગર, કેરી, કેળાં પાકને નુકસાન થતા કરેલ આર્થિક ખર્ચ માથે પડયાની ચિંતા ખેડૂતો અનુભવી રહ્યા છે અને સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ શાકભાજીના પાકમાં કારેલા, દૂધી, ગલકાંના તૈયાર થયેલા વેલના માંડવા ગતરોજના વાવાઝોડામાં જમીનદોસ્ત થયા હતા. આ વર્ષ ખેડૂતોને શાકભાજીમાં સારો ભાવ મળતો હતો. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધાની સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત જિલ્લામાં ભારે પવનના કારણે આંબા પરથી પ૦ ટકા ઉપરાંત કેરીઓ ખરી પડવાથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે.
ખેડૂતોના મતે વૈશાખમાં એકાએક માવઠાં સાથેના વાવાઝોડાએ તારાજી સર્જી છે. ડાંગર, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમાંયે ડાંગર ઉભી હોય તો આડી પડી જતા અને પલળી જતાં હવે સારો ભાવ મળશે કે કેમ તેની ચિંતા થઇ રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યાનુસાર જિલ્લામાં ઉનાળુ બાજરી અને ડાંગર મુખ્ય પાક છે અને સૌથી વધુ હેકટરમાં તેનું વાવેતર થયું હતું. માવઠાંની સંભાવનાના પગલે ખેડૂતોને પાક કાપણી ન કરવા અનુરોધ કરાયો હતો. જો કે કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાની અંગેની પ્રાથમિક માહિતી મેળવવા સર્વ હાથ ધરાયો છે. વધુમાં જણાવ્યુ ંહતું કે, આગામી ૮ મેથી ચાર દિવસ સુધી પુન: માવઠાંની સંભાવના વ્યકત થઇ રહી છે. આથી આ દિવસો દરમ્યાન ખેડૂતોને સાવચેત રહેવા અને ખેતી પાકને નુકસાની ન થાય તેવા પગલા ભરવા માટે માર્ગદર્શન-જાણકારી આપવા વિભાગની જુદી જુદી ટીમો દ્વારા મોનેટરીંગ કરવામાં આવી રહયું છે.
માવઠાંથી થયેલ મૃત્યુ, નુકસાનીમાં સહાય કરવા વિધાનસભા વિપક્ષના નેતાની માંગ
રાજયમાં અનેક વિસ્તારોમાં ર દિવસોમાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે જાનહાનિ, માલ-મિલ્કતોને નુકસાન અને ખેતી પાકો, ખાસ કરીને બાગાયતી પાકોને થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વ કરાવી, સત્વરે સહાય ચૂકવવા યોગ્ય કાર્યવાહી કરવા વિધાનસભાના વિપક્ષના નેતા, આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. વધુમાં મૃતકના પરિજનોને રૂ. ૧૦ લાખની સહાય અને તમામ ઇજાગ્રસ્તોને સરકારી ખર્ચ સારવાર આપવા અને ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી છે.
સૌથી વધુ ડાંગર તારાપુરમાં અને બાજરીનું પેટલાદ તાલુકામાં વાવેતર(હેકટર)
આ વર્ષ આણંદ જિલ્લામાં કુલ ૮૩૦૯પ હેકટરમાં ડાંગર, બાજરી,મગ, મગફળી, તલ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરાયું છે. જયારે છેલ્લા ૩ વર્ષની ઉનાળુ વાવેતરની સરેરાશ એવરેજ ૭૦૦ર૧ હેકટર છે. જેથી આ વર્ષ ડાંગર અને બાજરીનું સૌથી વધુ હેકટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરાયું છે. તાલુકો ડાંગર બાજરી ઘાસચારો આણંદ ૦ ૫૮૫૦ ૨૩૬૧ આંકલાવ ૦ ૩૦૩૬ ૨૪૯૫ બોરસદ ૪૪૬ ૭૬૩૬ ૩૦૧૯ ખંભાત ૩૦૩૩ ૫૮૧૦ ૮૪૦ પેટલાદ ૨૫૯ ૮૮૯૪ ૧૦૯૮ સોજીત્રા ૫૫૯૧ ૨૫૩૦ ૭૨૦ તારાપુર ૧૧૧૫૪ ૧૧૫ ૩૬૨ ઉમરેઠ ૧૧૩૯ ૩૪૦૬ ૨૧૫૦