આજે BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 474.25 લાખ કરોડ પર બંધ થયું હતુ. જેને લઇ રોકાણકારોના રૂ. 3.68 લાખ કરોડ ધોવાયા છે.
સપ્ટેમ્બર 2024 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં ભારે ઘટાડાથી સમગ્ર મહિના દરમિયાન બજારમાં તેજીના ઉત્સાહને બગાડવામાં આવ્યો છે. મહિનાના છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નીચે બંધ થયા છે. બેંકિંગ – ઓટો સેક્ટરના શેરો અને શેરબજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે પીટાઈને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BAE સેન્સેક્સ 1272 પોઈન્ટના ઘટાડા સાથે 84,299 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 368 પોઈન્ટના ઘટાડા સાથે 25,811 પોઈન્ટ પર બંધ થયો હતો. ત્યારે શેર માર્કેટ ક્રેશ થતા રોકાણકારો ટેન્શનમાં ગરકાવ થયા હતા.
વધતો અને ઘટતો સ્ટોક
આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર ઉછાળા સાથે અને 25 નુકસાન સાથે બંધ થયા છે. વધતા શેરોમાં JSW સ્ટીલ 2.86 ટકાના વધારા સાથે, NTPC 1.27 ટકાના વધારા સાથે, ટાટા સ્ટીલ 1.17 ટકાના વધારા સાથે, ટાઇટન 0.41 ટકાના વધારા સાથે, એશિયન પેઇન્ટ્સ 0.22 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે રિલાયન્સનો શેર 3.23 ટકા, એક્સિસ બેન્ક 3.12 ટકા, ICICI બેન્ક 2.58 ટકા, નેસ્લે 2.12 ટકા, ટેક મહિન્દ્રા 2.10 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.03 ટકા, મારુતિ સુઝુકી 1.99 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો
સેક્ટરોલ અપડેટ
માર્કેટમાં સૌથી વધુ પ્રોફિટ બુકિંગ બેન્કિંગ શેર્સમાં જોવા મળ્યું છે. નિફ્ટી બેંક પણ 857 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો અને આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા, એફએમસીજી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. માત્ર મેટલ્સ અને મીડિયા શેરો ઉછાળા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો