ડાકોર: ૬૮ કરોડના બ્રિજમાં એક વર્ષમાં ગાબડાં! વાહનચાલકો હેરાન
ડાકોર આવતા દર્શનાર્થીઓને અવરજવરમાં સરળતા રહે તેમજ અન્ય વિસ્તારોમાં જતા મુસાફર વાહનોને પણ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત સાંપડે તે માટે એક વર્ષ અગાઉ ડાકોરના મુખ્ય ચોકડી વિસ્તારમાં આશરે ૬૮ કરોડના ખર્ચ બ્રિજ તૈયાર કરાયો હતો. બ્રિજ લોર્કાપણના એક વર્ષના સમયગાળા દરમયાન અવારનવાર ગાબડાં પડવા અને પોપડા ખરવાની સમસ્યા સર્જાવવા પામી હતી. જેના કારણે બ્રિજ પરથી પસાર થવામાં વાહનચાલકોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.
આ સિલસિલામાં તાજેતરમાં પૂનમ પર્વ ડાકોરમાં આવેલા હજારો દર્શનાર્થીઓ સહિત મુસાફરોને પણ બ્રિજમાં ગાબડું પડયું હોવાથી હાડમારીભરી મુસાફરી કરવાની ફરજ પડી હતી. આ સ્થિતિના કારણે સર્જાયેલ ટ્રાફિકજામમાં દર્શનાર્થીઓની સાથોસાથ સ્થાનિકોને પણ કલાકો સુધી ઉભા રહેવાની ફરજ પડી હતી. અવારનવાર બ્રિજમાં ગાબડાં પડવાની સમસ્યાનું તારણ કાઢીને, યોગ્ય મરામત હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રોજીંદા દર્શનાર્થીઓની માંગ થવા પામી છે.