આણંદમાં સ્વચ્છતા અભિયાન: ગંદકી ફેલાવનાર 18 વેપારીઓ સામે કાર્યવાહી
આણંદ સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના પગલે અત્યાર સુધી ગંદકી કરનાર વેપારીઓ પાસેથી દોઢ લાખ ઉપરાંતનો દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે મનપાની ટીમોએ બુધવારના રોજ આણંદ સ્ટેશન રોડ, જૂના બસ સ્ટેશન વિસ્તાર સહિત અન્ય માર્ગોની મુલાકાત લઇને દુકાન આગળ માર્ગ પર કચરો ઢાલવનાર 18 જેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરીને રૂ 18 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપાના સેનેટરી વિભાગની ટીમો દ્વારા દૈનિક સવારે અને રાત્રે શહેરના માર્ગો સ્વચ્છ કરીને નિર્મળ બનાવવામાં આવે છે. જેના કારણે નગરજનો આરોગ્ય સુદ્રઢ રહે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ માસમાં 70થી વધુ વેપારીઓ માર્ગો પર ગંદકી કરતાં હોવાથી દોઢ લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. બુધવારના રોજ સવારે 11 વાગ્યે અરસામાં આણંદ સ્ટેશન રોડ , જૂના બસ સ્ટેશન વિસ્તાર , વિદ્યાનગર રોડ સહિત અન્ય વિસ્તારોની મુલાકાત લઇને દુકાનની બહાર ગંદકી કરતાં 18 વેપારીઓને સામે કાર્યવાહી કરીને રૂ 18 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.