બાંગ્લાદેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં સંકટ: 7 મહિનામાં 140 ફેક્ટરી બંધ, 1 લાખથી વધુ બેરોજગાર
બાંગ્લાદેશનો ગારમેન્ટ ઉદ્યોગ ગંભીર કટોકટીમાં ફસાઈ ગયો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર બાદ છેલ્લા સાત મહિનામાં 140થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જેના કારણે એક લાખથી વધુ કામદારો બેરોજગાર થઈ ગયા છે. ગાઝીપુર, સાવર, નારાયણગંજ અને નરસિંદી જેવા વિસ્તારોમાં 50થી વધુ ફેક્ટરીઓ સંપૂર્ણપણે બંધ થઈ છે, જ્યારે 40 જેટલી કામચલાઉ બંધ છે.
ઉદ્યોગમાં ઉથલપાથલ: કામદારો વિદ્રોહ પર ઉતર્યા
ઊદ્યોગમાં પડેલા સંકટના કારણે હજારો કામદારો પગાર માટે વિરોધ કરી રહ્યા છે. કેટલાંક ફેક્ટરીઓમાં 2 થી 14 મહિના સુધીનો પગાર બાકી છે. ઈદ નજીક આવી રહી હોવાને કારણે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઉદ્યોગકારો કહે છે કે ઈદ બાદ વધુ ફેક્ટરીઓ બંધ થવાની શક્યતા છે, જ્યારે સરકાર અને ઉદ્યોગમાલિકો કોઈ ઉકેલ લાવવા માટે તત્પર નથી.
20% ઓર્ડર અન્ય દેશોમાં શિફ્ટ
બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (BGMEA)ના સૂત્રોના જણાવ્યા મુજબ, 20% ઓર્ડર ભારત, વિયેતનામ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન તરફ ખસી ગયા છે, જેનાથી ઉદ્યોગ વધુ ગંભીર મુશ્કેલીઓમાં આવી ગયો છે.
હસીનાના સમર્થકોની ફેક્ટરીઓ સૌથી વધુ અસરગ્રસ્ત
આર્થિક મંદી અને રાજકીય અસ્થિરતા ઉદ્યોગ માટે મુખ્ય પડકાર બન્યા છે. રસપ્રદ વાત એ છે કે બંધ થયેલી મોટાભાગની ફેક્ટરીઓ ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ સાથે સંકળાયેલા નેતાઓની છે. બેક્સિમકો કંપની, જે શેખ હસીનાના નિકટવર્તી સલમાન એફ. રહેમાનની છે, તેની 15 ફેક્ટરીઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
યુનિયનનો આરોપ: ઓર્ડર છે, પણ દબાણ વધ્યું
ગાર્મેન્ટ વર્કર્સ ટ્રેડ યુનિયન સેન્ટરના કાનૂની સચિવ ખૈરુલ મામુન મિન્ટુએ દાવો કર્યો કે ઔદ્યોગિક ઓર્ડર હજુ પણ મળી રહ્યા છે, પણ સરકારના દબાણ અને રાજકીય અસંતુલનને કારણે ફેક્ટરીઓ બંધ થતી જાય છે. “આ એક નક્કર ઔદ્યોગિક સમસ્યા છે, જેને રાજકીય કારણોથી વધુ ઘેરી બનાવી દેવામાં આવી છે,” તેમણે ઉમેર્યું.
બાંગ્લાદેશનો ગારમેન્ટ ઉદ્યોગ: 84% વિદેશી હૂંડિયામણનો સ્ત્રોત
બાંગ્લાદેશની કુલ વિદેશી આવકમાં 84% હિસ્સો ટેક્સટાઇલ ઉદ્યોગથી આવે છે. દેશભરમાં 50 લાખ લોકો આ ઉદ્યોગ સાથે સીધા જોડાયેલા છે, અને 1.5 કરોડ લોકો પરોક્ષ રીતે આ ઉદ્યોગ પર નિર્ભર છે. ખાસ કરીને મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે, તેથી આ ઉદ્યોગના સંકટનો મોટા પ્રમાણમાં સામાજિક પ્રભાવ જોવા મળી રહ્યો છે.
NCPનો આરોપ: “સેના હસીનાને પાછી લાવવાની તૈયારીમાં”
નવી વિદ્યાર્થી નેતૃત્વવાળી પાર્ટી ‘નેશનલ સિટીઝન પાર્ટી’ (NCP)એ સેના પર શેખ હસીનાને પાછી સત્તામાં લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. NCPના નેતાઓ હસનત અબ્દુલ્લા અને સર્જિસ આલમે દાવો કર્યો કે સેના, અવામી લીગનું નામ બદલી, તેને ફરીથી રાજકીય શક્તિ બનાવવાની યોજના બનાવી રહી છે. જોકે, સેનાએ આ આરોપો ફગાવી દીધા છે.
ઉદ્યોગ અને રાજકીય તંગદિલી વચ્ચે, આગામી મહિનાઓમાં બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ કઈ દિશામાં જશે તે જોવાનું રહેશે.