‘થોડી થોડી પિયા કરો’ ના ગીતની વ્યાખ્યા બદલાઈ? પરમિટથી દારૂ પીનારાની સંખ્યા વધી
એક જાણીતી ગઝલના શબ્દો છે કે ‘થોડી થોડી પિયા કરો… અલબા, ગુજરાતમાં દારૂબંધી છતાં ‘થોડી થોડી… તો નહીં પણ પરમિટ લઇને દારૂ પીનારાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અસારવા સિવિલમાં આ વર્ષે પ્રથમ ચાર મહિનામાં જ નવી પરમિટ માટે 221 જેટલી અરજી આવી છે.
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023થી એપ્રિલ 2025 સુધી દારૂની પરમિટ માટે નવી 1759 અને રિન્યૂ માટે 7255 અરજી આવેલી છે. પ્રત્યેક નવી અરજી માટે 20 હજાર રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે. આમ, નવી પરમિટની અરજીથી સિવિલમાં રોગી કલ્યાણ સમિતિને અંદાજે 3.51 કરોડ રૂપિયાની આવક થયેલી છે. સિવિલ હોસ્પિટલમાંથી આ અરજી નશાબંધી કચેરીમાં મોકલવામાં આવે છે, જ્યાંથી અરજી રીજેક્ટ થવાનું પ્રમાણ 10 ટકાની આસપાસ હોય છે.
ડોક્ટરોના મતે તણાવભર્યું જીવન, હાયપર ટેન્શન, અનિદ્રા જેવી સમસ્યા હોય તો તેવા સંજોગોમાં હેલ્થ પરમિટ આપવામાં આવે છે. પરંતુ હેલ્થ પરમિટ આપતાં અગાઉ તેને ખરેખર હેલ્થ પરમિટની જરૂર છે કે કેમ,અરજીકર્તાની ઉંમર, આવકનો દાખલો જેવી બાબતો ખૂબ જ બારીકાઇથી ચકાસવામાં આવે છે. આ બધી બાબતો ચકાસ્યા બાદ જ હેલ્થ પરમિટ આપવી કે કેમ તે નક્કી થાય છે. કોઇની પણ અરજીમાં અમને શંકા જાય તો તેને રીજેક્ટ કરવામાં આવે છે.