રાસાયણિક દવાઓના વધતા ઉપયોગ વચ્ચે બોરસદના ખેડૂતની અનોખી પહેલ સામે આવી છે.
ખેડાસા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ મહિજીભાઈ ઝાલાએ રાસાયણિક જંતુનાશકના વિકલ્પ તરીકે 10 જાતની વનસ્પતિમાંથી પ્રાકૃતિક જંતુનાશક દવા તૈયાર કરી છે.
પ્રવિણભાઈ પાસે 5 વીઘા જમીન છે. અગાઉ રાસાયણિક ખાતર અને દવાના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી હતી અને ઉત્પાદન પર પણ અસર પડી હતી. ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી.
પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનો ઉપયોગ કરીને તેમણે દેશી વાલોળ, દૂધી, ભીંડા અને ગલકા સહિતના મિશ્ર પાકનું વાવેતર કર્યું. જેના થકી તેમને આશરે 55થી 80 હજાર રૂપિયા સુધીનો ચોખ્ખો નફો મળતો હતો.
જોકે, પાકમાં જીવાતનો ઉપદ્રવ તેમના માટે મોટો પડકાર બન્યો. ત્યારે પ્રવિણભાઈએ ઘરે જ પ્રાકૃતિક જંતુનાશક બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. અનેક પ્રયત્નો બાદ તેમણે 10 જાતની વનસ્પતિમાંથી ‘10 પર્ણિય દવા’ તૈયાર કરી.
ખેડૂતના જણાવ્યા મુજબ, આ દવાનો વિવિધ પાકમાં છંટકાવ કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડવામાં મદદ મળે છે અને રાસાયણિક દવાઓ પરનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. સતત પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ગુણવત્તા સુધારવામાં પણ ફાયદો થઈ શકે છે.
ખેડાસાના આ ખેડૂતે સાબિત કર્યું છે કે નવી ટેક્નિક અને પ્રાકૃતિક ખેતીનો સંગમ ખેતીને વધુ ટકાઉ બનાવવાનો માર્ગ બની શકે છે.