મહીયારી ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે કાર ઝડપાઈ!!

મહીયારી ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે કાર ઝડપાઈ!!

તારાપુર-વટામણ હાઈવે પર ફિલ્મી ઢબે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી પાડી છે, જોકે પોલીસને જોઈને ચાલક કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, તારાપુર પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ પાસિંગની ઈનોવા કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બોરસદ તરફથી બગોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ધર્મજ તરફથી આવતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારચાલકે પોલીસના ઈશારાની અવગણના કરી કાર હંકારી મૂકી હતી. ત્યારબાદ પોલીસે પણ કારનો પીછો શરૂ કર્યો હતો. વટામણ ટોલ પ્લાઝા પાસે પોલીસે કાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકે કારને રિવર્સમાં લઈ ફરી તારાપુર તરફ ભગાવી હતી. પોલીસની ટીમે તેનો પીછો ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન મહીયારી ગામની સીમમાં આવેલી આશિષ હોટલ પાસે પહોંચતા જ ચાલકે કાર બિનવારસી મૂકીને અંધારાનો લાભ લીધો અને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો, પરંતુ તે હાથ લાગ્યો નહોતો.

પોલીસે કારની તપાસ કરતા પાછળની સીટમાંથી અલગ-અલગ કંપનીની 3,360 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત આશરે 6.04 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ અને ઈનોવા કાર સહિત કુલ 10.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ રાજકોટ પાસિંગની કારના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.