ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બકરા ચોરીના કેસનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ડાકોર પોલીસ અને જિલ્લા LCBની સંયુક્ત કામગીરીમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પોલીસને બકરા ચોરી અંગે બાતમી મળી હતી. જેના આધારે બોરડી ગામ નજીક GJ-01-KN-3929 નંબરની ફોર વ્હીલર કારને અટકાવવામાં આવી હતી. પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ચાર બકરા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બકરાઓને ગાડીમાં ગોંધી રાખી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસે કંજોડા ગામના બે રહેવાસીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી એક ફોર વ્હીલર ગાડી અને ચાર બકરા સહિત કુલ રૂ. 2.20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે આને ક્યાં લઈ જવાઈ રહ્યાં હતા અને શા માટે લઈ જવાઈ રહ્યાં હતા એ અંગે તપાસનો દોર શરુ છે. હાલ ડાકોર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.