દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે. ઉમરગામમાં 35.67 ઈંચ, કપરાડામાં 28.78 ઈંચ, નાનાપોંઢામાં 25.31 ઈંચ અને ધરમપુરમાં 19.65 ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને જનજીવન પર ભારે અસર પડી છે.
આજે વહેલી સવારે માત્ર બે કલાકમાં જ ઉમરગામમાં 7.56 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાથે જ પારડી, વલસાડ, કપરાડા અને ધરમપુર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડા, મહુવા, માંડવી, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
મુશળધાર વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચી છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, જ્યારે સુરત શહેરની ખાડીઓમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી પ્રશાસન એલર્ટ મોડ પર છે.
બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને રેસ્ક્યૂ માટે જઈ રહેલી SDRFની ટીમ પણ રસ્તામાં ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ યથાવત રાખ્યું છે.