ફરિયાદો તો થઈ… પણ વર્ષોથી ઉકેલ નહીં! આંકલાવથી CM સુધી રજૂઆત

ફરિયાદો તો થઈ… પણ વર્ષોથી ઉકેલ નહીં! આંકલાવથી CM સુધી રજૂઆત

સરકારનો ‘સ્વાગત’ કાર્યક્રમ… પણ ફરિયાદોના ઉકેલને લઈને હવે સવાલો ઊઠ્યા છે. આંકલાવ તાલુકામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ વર્ષોથી રજૂ થતી ફરિયાદોનું સમયસર નિરાકરણ નહીં આવતું હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આમરોલના નટુભાઈ પરમારે કરેલી રજૂઆત મુજબ, ફેબ્રુઆરી 2024થી આજદિન સુધી પ્રજા અને ગામના જાહેર હિતને લગતા પ્રશ્નો માટે નિયમિત રીતે સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદો રજૂ કરવામાં આવી છે. તેમ છતાં અનેક ફરિયાદો હજુ પણ પડતર હોવાનું જણાવાયું છે. અરજદારનો આક્ષેપ છે કે, ઉચ્ચ કક્ષાએથી સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના ઉકેલ માટે સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી. કેટલાક પ્રશ્નો પેન્ડિંગ રાખી માત્ર કાગળ પર કામગીરી દર્શાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં ખાસ કરીને માર્ચ 2026 સુધીની અનેક ફરિયાદો પણ પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા સરકારી ગૌચર જમીનના વિકાસના નામે ફંડ લેવામાં આવ્યું હોવાનો મુદ્દો તેમજ સરકારી રેવન્યુ જમીનના ચોક્કસ માપદંડ નહીં આપવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ ફરિયાદો મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનો અરજદારે દાવો કર્યો છે.

હવે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે કે સ્વાગત કાર્યક્રમમાં પડતર તમામ ફરિયાદોની સમીક્ષા કરી જવાબદાર અધિકારીઓને સમયસર કાર્યવાહી માટે સૂચના આપવામાં આવે અને થયેલી કાર્યવાહીનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવામાં આવે. હવે સવાલ એ છે કે… પ્રજાની ફરિયાદ સ્વાગત સુધી પહોંચે છે, તો તેનો ઉકેલ ક્યારે આવશે?c