નેપાળ પૂર: ત્રિશૂલી નદીના કહેર વચ્ચે 40 વર્ષ જૂનું ઘર ‘ચમત્કાર’ બનીને બચ્યું!

નેપાળ પૂર: ત્રિશૂલી નદીના કહેર વચ્ચે 40 વર્ષ જૂનું ઘર ‘ચમત્કાર’ બનીને બચ્યું!

નેપાળ પૂર: ત્રિશૂલી નદીના કહેર વચ્ચે 40 વર્ષ જૂનું ઘર ‘ચમત્કાર’ બનીને બચ્યું!

નેપાળમાં 26 ઑગસ્ટે ત્રિશૂલી નદીમાં આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી હતી.

નદીના તેજ પ્રવાહમાં ગાડીઓ, ઇમારતો અને લોકોનો સામાન પણ તણાઈ ગયો...

પરંતુ આ બધાની વચ્ચે નુવાકોટ જિલ્લામાં નદી કિનારે આવેલું 40 વર્ષ જૂનું એક લીલું ઘર લગભગ સુરક્ષિત બચી ગયું!

પૂર બાદ ઘરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને લોકો તેને ‘ચમત્કારી ઘર’ કહેવા લાગ્યા.

પણ સવાલ એ હતો કે...

આટલા ભયાનક પૂરમાં આખું ઘર બચ્યું કેવી રીતે?

હવે ઘરના માલિક પ્રકાશે તેની પાછળનું કારણ જણાવ્યું છે.

પ્રકાશના જણાવ્યા પ્રમાણે, ઘર બનાવતી વખતે તેના પાયા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

ઘરના પાયામાં રસ્તા બનાવવામાં વપરાતી સામગ્રીના બે-ત્રણ સ્તરો નાખવામાં આવ્યા હતા.

સાથે જ ઘરમાં મજબૂત કોંક્રિટના પિલર અને બીમ પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં લોખંડના સળિયા હતા.

પૂર આવ્યું ત્યારે પ્રકાશ નજીકની દુકાન પર હતા.

પાણી ઝડપથી વધી રહ્યું હોવાની જાણ થતાં તેઓ તરત જ ઘરે પહોંચ્યા અને પરિવારને ઘરની અંદર જ રહેવા કહ્યું.

બહાર નીકળતા જ તેમણે જોયું કે પૂરના તેજ પ્રવાહે તેમની ગાડી પણ પલટી મારી દીધી હતી.

આ દૃશ્ય જોઈને તેઓ તરત જ ઘરની અંદર દોડી ગયા.

પરિવારમાં કુલ 6 લોકો હતા.

પાણી વધતા બધા પહેલા ઘરના ચોથા માળે પહોંચ્યા, પરંતુ થોડા સમય બાદ પૂરનું પાણી ત્યાં સુધી પણ પહોંચી ગયું.

આખરે પરિવાર ઘરના સૌથી ઊંચા ભાગમાં જઈને આશરો લીધો.

પ્રકાશના જણાવ્યા પ્રમાણે, પરિવાર લગભગ એકથી દોઢ કલાક સુધી ત્યાં ફસાયેલો રહ્યો.

તે સમયે પાણી એટલું ઝડપથી વધી રહ્યું હતું કે તેમને લાગ્યું કે કદાચ આ તેમના જીવનની છેલ્લી ક્ષણ હોઈ શકે છે.

પરંતુ પાણીનું સ્તર થોડું ઓછું થતાં નજીકના ટોલ વિસ્તારના લોકો મદદ માટે પહોંચ્યા.

બંને ઇમારતો વચ્ચે પાઇપ લગાવવામાં આવ્યો અને દોરડાની મદદથી પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો.

હવે વાત કરીએ કે આખરે આ ઘર બચ્યું કેવી રીતે?

નિષ્ણાતોના મતે માત્ર એક નહીં, પરંતુ અનેક કારણોએ ઘરને બચાવવામાં મદદ કરી.

સૌથી પહેલું કારણ હતું મજબૂત માળખું.

મજબૂત પિલર અને બીમ એકબીજા સાથે જોડાયેલા હોવાથી પાણી અને કાટમાળનું દબાણ માત્ર એક દીવાલ પર પડ્યું નહીં, પરંતુ આખા માળખામાં વહેંચાઈ ગયું.

બીજું મોટું કારણ હતું મજબૂત અને ઊંડો પાયો.

નદીની નજીક ઘર બનાવતી વખતે પાયાને મજબૂત કરવામાં આવ્યો હતો, જેના કારણે પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પણ ઘર પોતાની જગ્યાએ ટકી રહ્યું.

ત્રીજું કારણ હતું ઘરનું સ્થાન.

ઘર નદીના સૌથી તેજ મુખ્ય પ્રવાહની સીધી વચ્ચે નહોતું. તેથી પાણી અને કાટમાળનો મોટો હિસ્સો તેની બંને બાજુથી પસાર થઈ ગયો.

અને એક રસપ્રદ બાબત એ પણ સામે આવી કે પૂરના શરૂઆતના તબક્કામાં જમા થયેલો કાદવ અને કાટમાળ પાછળથી એક પ્રકારની ઢાલ બની ગયો, જેના કારણે પાણીનું સીધું દબાણ થોડું ઓછું થયું.

એટલે આ માત્ર ચમત્કાર નહોતો...

મજબૂત પાયો, મજબૂત બાંધકામ, ઘરની યોગ્ય સ્થિતિ અને આસપાસ જમા થયેલો કાટમાળ — આ તમામ કારણોએ મળીને 40 વર્ષ જૂના આ ઘરને ત્રિશૂલી નદીના ભયાનક પૂરમાં પણ ટકાવી રાખ્યું.

અને એટલે જ આજે નેપાળનું આ ‘ચમત્કારી ઘર’ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.