બે મહિના બાદ પણ તાલુકા કક્ષાની ILR કચેરીઓ ‘રેકર્ડ વિહોણી’!

બે મહિના બાદ પણ તાલુકા કક્ષાની ILR કચેરીઓ ‘રેકર્ડ વિહોણી’!

બે મહિના બાદ પણ તાલુકા કક્ષાની ILR કચેરીઓ ‘રેકર્ડ વિહોણી’!

ઘરઆંગણે સેવા આપવાનો નિર્ણય માત્ર કાગળ પર જ?

આણંદ જિલ્લામાં પ્રજાને જમીન દફતરની સેવાઓ ઘરઆંગણે મળી રહે અને અરજદારોને જિલ્લા કક્ષાની કચેરીના ધક્કા ન ખાવા પડે તે હેતુથી મહેસૂલ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ જમીન દફતર નિરીક્ષક એટલે કે ILRની નવી કચેરીઓ શરૂ કરવામાં આવી હતી.

જોકે, કચેરીઓ શરૂ થયાને આશરે બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, જિલ્લા કક્ષાની કચેરીમાંથી જરૂરી જમીન રેકર્ડ હજુ સુધી તાલુકા કક્ષાની કચેરીઓમાં સંપૂર્ણપણે પહોંચાડવામાં આવ્યો નથી. જેના કારણે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાનો મૂળ હેતુ જ અધૂરો રહેતો હોવાની સ્થિતિ સર્જાઈ છે.

કચેરીઓ તો તાલુકા કક્ષાએ શરૂ થઈ ગઈ, પરંતુ રેકર્ડ હજુ જિલ્લા કચેરીમાં!

એટલે સેવા લેવા માટે અરજદાર જાય તાલુકા કચેરીએ અને જવાબ મળે—“રેકર્ડ તો જિલ્લા કચેરીમાં છે!”

પરિણામે દૂરના ગામડાઓમાંથી આવતા અરજદારોને આજે પણ જમીન સંબંધિત રેકર્ડ અને કામગીરી માટે આણંદ જિલ્લા કક્ષાની કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ સ્થિતિમાં અરજદારોનો સમય, નાણાં અને શ્રમ ત્રણેયનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે.

હવે સવાલ એ છે કે, જો તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જરૂરી રેકર્ડ જ ઉપલબ્ધ નથી, તો વિકેન્દ્રીકરણનો લાભ પ્રજાને ક્યારે મળશે?

પ્રજાને ઘરઆંગણે સુવિધા આપવાના હેતુથી શરૂ કરાયેલી આ કચેરીઓમાં જરૂરી તમામ રેકર્ડ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

નહીંતર ‘ઘરઆંગણે સેવા’ના દાવા વચ્ચે અરજદારોને જિલ્લા કચેરીના ધક્કા ક્યારે સુધી ખાવા પડશે?

આ સવાલ હાલ આણંદ જિલ્લાના અરજદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.