ખંભાતમાં પોલીસ પર પથ્થરમારો, 15 શખ્સો ઝડપાયા
ખંભાતના કલમસર ગામમાં કાયદો અને વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
કલમસર ગામમાં રોહન ડાઇઝ કંપની નજીક પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ દરમિયાન જાહેર મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
ઘટનાને પગલે ખંભાત ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી અને કુલ 15 શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે પોલીસ પર હુમલો, પથ્થરમારો, જાહેર મિલકતને નુકસાન અને કાયદો-વ્યવસ્થા ભંગ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે BNS-2023ની કલમ 189(2), 189(3), 189(5), 190, 191(2), 192, 125(એ), 125(જી), 117(2), 115(2), 221, 121(1), 132, તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે ઝડપેલા 15 આરોપીઓમાં અરવિંદભાઈ સિંધા, પ્રદિપસિંહ સિંધા, નરેશભાઈ સિંધા, કુલદિપસિંહ સિંધા, જાલમસિંહ ગોહિલ, જગદીશભાઈ સિંધા, હરદેવસિંહ સિંધા, ભરતભાઈ સિંધા, બળવંતસિંહ સિંધા, વિપુલભાઈ સિંધા, રાજેશભાઈ ગોહિલ, પ્રવિણસિંહ સિંધા, સંજયસિંહ ઉર્ફે રવિ ગોહિલ, વિપુલભાઈ ગોહિલ અને હિતેશકુમાર જાદવનો સમાવેશ થાય છે.
આ તમામ કલમસર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
હાલ ખંભાત ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ પર જ પથ્થરમારો કરશો તો કાયદો પણ પોતાની ભાષામાં જવાબ આપશે... ખંભાત ગ્રામ્ય પોલીસે 15 શખ્સોને ઝડપી પાડી કાર્યવાહીનો સંદેશો આપ્યો છે.