ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો: શરીરમાં 200 mlથી વધુ મિથેનોલ!

ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો: શરીરમાં 200 mlથી વધુ મિથેનોલ!

ભાવનગર લઠ્ઠાકાંડને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

નકલી દારૂ પીધા બાદ થયેલા મોતનું કારણ મિથેનોલ હોવાનું સામે આવ્યું છે. ભાવનગર હોસ્પિટલના ડોક્ટર પંકજ આખોલીયાના જણાવ્યા પ્રમાણે, એક દર્દીના શરીરમાં 200 મિલીલીટરથી વધુ મિથેનોલની હાજરી જોવા મળી હતી.

હવે આ આંકડો સાંભળીને જ તમે અંદાજ લગાવી શકો છો કે મામલો કેટલો ગંભીર હતો.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, મિથેનોલની માત્ર 10 મિલીલીટર જેટલી માત્રા પણ જીવલેણ બની શકે છે. જ્યારે એક જ દર્દીના શરીરમાં 200 મિલીલીટરથી વધુ મિથેનોલ મળવું અત્યંત ગંભીર બાબત છે.

એટલે કે, એક વ્યક્તિના શરીરમાંથી મળી આવેલી મિથેનોલની આ માત્રા લગભગ 20 લોકો માટે જીવલેણ બની શકે તેટલી હતી.

આ ઘટનાએ નકલી દારૂના ગેરકાયદે કારોબારની ગંભીરતા ફરી એકવાર સામે લાવી છે.

હાલ આ લઠ્ઠાકાંડમાં કુલ 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા અને સારવાર બાદ કેટલાક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત પણ ફર્યા છે.

સૌથી મોટો સવાલ એ છે કે...

આટલી મોટી માત્રામાં જીવલેણ મિથેનોલ નકલી દારૂમાં આવ્યું ક્યાંથી?

કોણે આ દારૂ તૈયાર કર્યો? કોના માધ્યમથી તેનું વેચાણ થયું? અને આ સમગ્ર નેટવર્ક પાછળ હજુ કેટલા લોકો છુપાયેલા છે?

હવે તપાસ એજન્સીઓ માટે આ તમામ સવાલોના જવાબ શોધવા મહત્વપૂર્ણ બન્યા છે.

કારણ કે અહીં વાત માત્ર નકલી દારૂની નથી...

અહીં સવાલ છે અનેક જિંદગીઓ સાથે રમાયેલા જીવલેણ ખેલનો.