આણંદમાં મંદિરની જમીન પર કથિત કબજાનો પ્રયાસ, ટ્રસ્ટે કલેક્ટર સમક્ષ કરી કડક કાર્યવાહીની માગ

આણંદમાં મંદિરની જમીન પર કથિત કબજાનો પ્રયાસ, ટ્રસ્ટે કલેક્ટર સમક્ષ કરી કડક કાર્યવાહીની માગ

આણંદ શહેરમાં જમીન પર ગેરકાયદે કબજાના આક્ષેપો વચ્ચે હવે ધાર્મિક સ્થળ સાથે જોડાયેલી જમીનનો મામલો સામે આવ્યો છે. લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરની ખુલ્લી જગ્યામાં કથિત રીતે ગેરકાયદે બાંધકામ કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ થયો હોવાનો મંદિર ટ્રસ્ટે આક્ષેપ કર્યો છે.

આ મામલે ચાવડા ગોહિલ પંચ ટ્રસ્ટના વહીવટકર્તાઓ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટે કથિત રીતે જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરનાર અજાણ્યા ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.

જર્જરિત બાંધકામ દૂર કર્યા બાદ લગાવ્યું હતું નોટિસ બોર્ડ

મળતી વિગતો મુજબ, લોટીયા ભાગોળ વિસ્તારમાં સર્વે નંબર 869માં આવેલી આશરે 245.8222 ચોરસ મીટર જમીન પર માતાજીનું મંદિર આવેલું છે. મંદિરની સાથેની ખુલ્લી જગ્યામાં લાંબા સમયથી જૂનું અને જર્જરિત બાંધકામ હતું.

ટ્રસ્ટના જણાવ્યા મુજબ, સુરક્ષાની દૃષ્ટિએ ગત 31 જુલાઈએ આ જર્જરિત બાંધકામને ટ્રસ્ટના વહીવટકર્તાઓ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગ્યા ખુલ્લી થતાં ટ્રસ્ટ દ્વારા જમીન અંગેની માલિકી દર્શાવતું જાહેર નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.

નોટિસ બોર્ડ બાદ પણ બાંધકામનો આક્ષેપ

ટ્રસ્ટનો આક્ષેપ છે કે નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા બાદ પણ અજાણ્યા ઇસમોએ તેની અવગણના કરી ખુલ્લી જગ્યામાં ગેરકાયદે બાંધકામ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે મંદિર સાથે જોડાયેલી જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મામલો સામે આવ્યા બાદ મંદિરના વહીવટકર્તાઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી સમગ્ર ઘટનાની તપાસ કરવાની માગ કરી છે. સાથે જ જમીન પર કથિત રીતે કબજો કરવાનો પ્રયાસ કરનાર લોકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ધાર્મિક સ્થળ સાથે જોડાયેલી જમીન પર કબજાના આક્ષેપોને પગલે સ્થાનિક સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે. હવે કલેક્ટર કચેરી દ્વારા રજૂઆતના આધારે શું કાર્યવાહી કરવામાં આવે છે અને જમીનની સ્થિતિ અંગે તપાસમાં શું સામે આવે છે તેના પર નજર રહેશે.