શહેરના પાલ વિસ્તારમાં યોજાયેલા બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટ બાદ કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. 3 ઓક્ટોબરે ગ્રાન્ડ ફેરોહાર ખાતે યોજાયેલા ‘I Am Home Coming’ ઈન્ડિયા ટૂરના આ કાર્યક્રમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડાન્સર્સના પહેરવેશ અને સ્ટેજ પરફોર્મન્સને લઈને બજરંગ દળે વાંધો ઉઠાવ્યો છે.
30 ફૂટની ઊંચાઈથી સુનિધિ ચૌહાણની અનોખી એન્ટ્રી
સુનિધિ ચૌહાણે સુરતથી પોતાની ‘I Am Home Coming’ ઈન્ડિયા ટૂરની શરૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆત જ ભવ્ય અંદાજમાં થઈ હતી. સુનિધિ આશરે 30 ફૂટની ઊંચાઈએ કેબલ્સ વચ્ચે ખુરશી પર બેસીને સ્ટેજ પર એન્ટ્રી કરી હતી.
કોન્સર્ટમાં 15 સભ્યોની ડાન્સ ક્રૂ ઉપરાંત બીટબોક્સર અને મ્યુઝિક બેન્ડ પણ જોડાયા હતા. સુનિધિએ પોતાના લોકપ્રિય ગીતો પર પરફોર્મન્સ આપીને ચાહકોમાં ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે બે વખત આઉટફિટ પણ બદલ્યા હતા.
વાયરલ વીડિયોને લઈને બજરંગ દળનો વિરોધ
કોન્સર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બજરંગ દળે ડાન્સર્સના પહેરવેશને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. બજરંગ દળ સુરત પૂર્વ વિભાગના સંયોજક અભિષેક રાજપૂતે જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન પહેરવેશની મર્યાદા જળવાઈ ન હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે.
તેમના જણાવ્યા મુજબ, જાહેર કાર્યક્રમોમાં ખાસ કરીને પરિવાર સાથે લોકો આવતા હોય ત્યારે પારિવારિક વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી છે. તેમણે આયોજકોને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં કલાકારોના પહેરવેશ અંગે યોગ્ય મર્યાદા નક્કી કરવાની અપીલ કરી છે.
આયોજકનો પલટવાર: ‘પોતાની પસંદગીના વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા’
બીજી તરફ બજરંગ દળના આક્ષેપોનો ઇવેન્ટ આયોજક સચી ઇવેન્ટ્સના અજેશ કુમારે વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતમાં દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબના વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા છે અને કોઈ ચોક્કસ ડ્રેસ કોડ કાયદાકીય રીતે ફરજિયાત નથી.
આયોજકે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકોને કાર્યક્રમના ફ્રી પાસ ન મળતા સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, સુનિધિ ચૌહાણ અગાઉ પણ સુરત, અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં સમાન પ્રકારના પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે.
હાલ આ સમગ્ર મામલે બંને પક્ષે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને પગલે શરૂ થયેલો આ વિવાદ હવે આયોજકો અને વિરોધ કરનાર સંગઠન વચ્ચેના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં આવ્યો છે.