આણંદના 4 ગામોની કાયાપલટ માટે ₹300 કરોડની દરખાસ્ત, પાણી-ડ્રેનેજથી લઈને રસ્તા સુધી મળશે આધુનિક સુવિધા

આણંદના 4 ગામોની કાયાપલટ માટે ₹300 કરોડની દરખાસ્ત, પાણી-ડ્રેનેજથી લઈને રસ્તા સુધી મળશે આધુનિક સુવિધા

આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા લાંભવેલ, જિટોડિયા, મોગરી અને ગામડી ગામોમાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ચારેય વિસ્તારોને શહેર સમકક્ષ સુવિધાઓથી સજ્જ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ અંદાજે ₹300 કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

હાલમાં આ ગામોના અનેક સોસાયટી વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની ટાંકીઓના કારણે પૂરતા પ્રેશરથી પાણી પહોંચતું નથી. બીજી તરફ સાંકડા રસ્તાઓ, ભૂગર્ભ ડ્રેનેજના અભાવ અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પાણી અને ડ્રેનેજ વ્યવસ્થામાં મોટો ફેરફાર

દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ ચારેય ગામોમાં આધુનિક વોટર ડિસ્ટ્રિબ્યુશન અને ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાની યોજના છે. ટીપી સ્કીમ હેઠળના વિસ્તારોમાં ગટર કનેક્શન પહોંચાડવામાં આવશે.

દરેક ગામ અને ટીપી વિસ્તાર માટે અંદાજે 8 લાખ લિટરની ક્ષમતાવાળી નવી ઓવરહેડ પાણીની ટાંકી તેમજ વોટર વર્ક્સ સિસ્ટમ ઉભી કરવાની યોજના છે. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા ઉભી થશે.

ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે અલગથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ તબક્કાવાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વિકાસ કામો શરૂ કરવામાં આવશે.

30 વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને નવી ટીપી સ્કીમ

ચારેય ગામોમાં આગામી 30 વર્ષના વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને ટીપી સ્કીમ અમલમાં મૂકવાની તૈયારી છે. આ યોજના હેઠળ આંતરિક રસ્તાઓને પહોળા કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.

સાથે જ સમગ્ર વિસ્તારમાં આધુનિક LED સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે. નવી ડેવલપમેન્ટ પ્લાન મુજબ રસ્તાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

આરોગ્ય સુવિધાથી લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી

યોજનામાં નાગરિકોની આરોગ્ય જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. આશરે 16 હજારની વસ્તી માટે એક અર્બન હેલ્થ સેન્ટર વિકસાવવાની યોજના છે.

આ ઉપરાંત બાળકો અને નાગરિકો માટે આધુનિક બગીચા અને રમતગમતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. બગીચાઓમાં વોકવે, બાળકો માટે રમતના સાધનો, લોન, બેસવા માટે બાંકડા, પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઈટ, મ્યુઝિકલ સિસ્ટમ અને CCTV કેમેરા જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.

યુવાનો માટે ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ અને ક્રિકેટ માટેની સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવાની પણ યોજના છે.

જો રાજ્ય સરકાર તરફથી ₹300 કરોડની આ દરખાસ્તને મંજૂરી મળે છે, તો લાંભવેલ, જિટોડિયા, મોગરી અને ગામડીમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ, આરોગ્ય, બગીચા અને રમતગમત સહિતની પાયાની સુવિધાઓમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.